મધરાતે માતાનાં દર્શન કરીને આરામ કરી રહેલા શૂટરો મંદિરમાંથી પકડાયા

17 April, 2024 08:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરીને પલાયન થઈ ગયેલા મૂળ બિહારના બે શૂટરોને પોલીસે કચ્છના ભુજમાંથી ૪૮ કલાકની અંદર ઝડપી લીધા

ગઈ કાલે કચ્છથી મુંબઈ લવાયેલા આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલ.

બાંદરા રેલવે-સ્ટેશનના CCTV કૅમેરાનાં ફુટેજની મદદથી શૂટરોને સતત ટ્રેસ કરાયા હતા : બાંદરાથી ટ્રેન પકડીને સુરત અને બાદમાં હાઇવેથી ભુજ પહોંચ્યા : સુરત પાસેની નદીમાં ગન ફેંકી જે ફાયરિંગના એક દિવસ પહેલાં જ બાંદરામાં આપવામાં આવી હતી: અનમોલ બિશ્નોઈના કહેવાથી ફાયરિંગ : પનવેલમાં ૨૧ દિવસ રહીને સલમાન પર નજર રાખી : ચાર વખત ઘરની રેકી કરી : ૧૦ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

સલમાન ખાનના બાંદરા-વેસ્ટમાં આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં રવિવારે સવારે ફાયરિંગ કરનારા મૂળ બિહારના ચંપારણ જિલ્લાના મસીહી ગામના ૨૪ વર્ષના વિકી ગુપ્તા અને ૨૧ વર્ષના સાગર પાલ નામના શૂટરોને ગુજરાત અને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ૪૮ કલાકની અંદર કચ્છના ભુજ શહેરના માતાના એક મંદિરમાંથી સોમવારે મધરાતે ૧.૩૦ વાગ્યે ઝડપી લીધા હતા. ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે મંદિરમાં હવન-પૂજા ચાલી રહી હતી ત્યારે આરોપીઓ દર્શન કરીને આરામ કરતા હતા ત્યારે તેમને પકડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ભુજના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ મહેદ્ર બાગરિયાએ પત્રકારોને માહિતી આપી હતી કે ‘સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા વિકી ગુપ્તા અને સાગર પાલની પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે ફાયરિંગના એક દિવસ પહેલાં તેમને મુંબઈના બાંદરામાં ​બ્રિજની નીચે એક વ્યક્તિએ ગન આપી હતી. આ ગનથી રવિવારે મોટરસાઇકલમાં આવીને પાછળ બેસેલા સાગર પાલે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સલમાનને ટાર્ગેટ કરવા માટે તેઓ એક મહિનાથી પનવેલમાં તેના ફાર્મહાઉસની પાસે મકાન ભાડે રાખીને રહ્યા હતા. ફાયરિંગ કરતાં પહેલાં મોટરસાઇકલ અને રિક્ષામાં શૂટરોએ ચાર વખત સલમાનના ઘરની રેકી કરી હતી. ફાયરિંગ બાદ તેઓ બાંદરા રેલવે-સ્ટેશને પહોંચ્યા હતા. અહીંથી લોકલ ટ્રેનમાં તેઓ મીરા રોડ સ્ટેશને ઊતરીને હાઇવે ગયા હતા અને હાઇવેથી ગુજરાત તરફ જતા વાહનમાં ભુજ પહોંચ્યા હતા. રસ્તામાં તેમણે સુરત પાસેની કોઈક નદીમાં ગન સહિત બીજી વસ્તુઓ ફેંકી હોવાનું કહ્યું છે.’

કેવી રીતે પકડાયા?
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રવિવારે સાંજ સુધીમાં શૂટરોના ફોટો બાંદરા રેલવે-સ્ટેશનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાંથી મેળવી લીધા હતા એટલું જ નહીં, શૂટરોના મોબાઇલ-નંબર પણ મેળવીને ટ્રેકિંગ સિસ્ટમમાં મૂકી દીધા હતા. અનમોલ બિશ્નોઈ નામની વ્યક્તિએ ફાયરિંગની જવાબદારી લેતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં કરી હતી. અનમોલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ છે એટલે આ ગૅન્ગે જ ફાયરિંગ કરાવ્યું હોવાની શક્યતા હતી. એટલે ક્રાઇમ બ્રાન્ચે પંજાબ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિતનાં રાજ્યોની પોલીસ સાથે શૂટરોના ફોટોની સાથે તેમની હિલચાલની વિગતો શૅર કરી હતી. શૂટરો મીરા રોડથી ટ્રેનમાં સુરત અને અહીંથી તેઓ હાઇવેથી ગુજરાતના કચ્છ તરફ ગયા હોવાનું ધ્યાનમાં આવતાં ક્રાઇમ બ્રાન્ચની બે ટીમ મુંબઈથી ફ્લાઇટમાં રાજકોટ પહોંચી હતી. અહીંથી ટીમ વાહનમાર્ગે ૩૫૦ કિલોમીટરનો પ્રવાસ કરીને કચ્છના નખત્રાણા ગઈ હતી. શૂટરો ભુજના મંદિરમાં હોવાનું ટ્રેસ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલીસને સાથે લીધા હતા અને તેઓ મંદિરના પરિસરમાં પહોંચ્યા હતા. ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે એટલે રાતના સમયે માતાના મંદિરમાં હવન-પૂજા ચાલી રહી હતી ત્યારે ૧.૩૦ વાગ્યે શૂટરો મંદિરના પરિસરમાં આરામ કરતા જોવા મળતાં જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. બાદમાં તેમને ફ્લાઇટથી મુંબઈ લાવવામાં આવ્યા હતા.

સોમવારે બપોરે લીડ મળી
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા મુજબ CCTV ફુટેજ હાથ લાગવાની સાથે શૂટરોએ પનવેલમાં એક મકાન ભાડે રાખવા માટે આધાર કાર્ડ અને મોબાઇલ-નંબર સહિતની માહિતી આપી હોવાની જાણ થતાં પોલીસની ટીમ એક રિક્ષાવાળાની મદદથી પનવેલ પહોંચી હતી. અહીંથી શૂટરોના નામની સાથે તેમના મોબાઇલ ફોનનંબર મળ્યા હતા. તેમના નંબર મોબાઇલ ટ્રેકિંગ સિસ્ટમમાં મૂકતાં ખ્યાલ આવ્યો હતો કે તેઓ કચ્છના ભુજ શહેરમાં છે. આ લીડ મળવાની સાથે જ ગુજરાત પોલીસનો સંપર્ક કરીને શૂટરોની માહિતી શૅર કરવામાં આવી હતી અને ભુજ પોલીસની મદદથી શૂટરો સુધી પહોંચ્યા હતા.

અનમોલ બિશ્નોઈના માણસો
કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સંદીપ ચુડાસમાએ માહિતી આપી હતી કે ‘અહીંના દયાપર વિસ્તારમાં આવેલા માતાના મંદિરમાંથી ઝડપવામાં આવેલા શૂટરોએ કહ્યું છે કે તેમને મુંબઈ અનમોલ બિશ્નોઈએ મોકલ્યા હતા. આ કામ માટે કેટલીક રકમ આપવામાં આવી હતી, જેમાંથી તેમણે પનવેલમાં ૩૫૦૦ રૂપિયાના ભાડાથી એક મકાન રાખ્યું હતું અને એના માટે ૧૦,૦૦૦ રૂપિયા ડિપોઝિટ પણ ભરી હતી. આ ઘર સલમાન ખાનના ફાર્મસહાઉસથી ૧૦ કિલોમીટરના અંતરે આવેલું છે. બાદમાં તેમણે ૨૪,૦૦૦ રૂપિયામાં અહીંથી જ એક સેકન્ડહૅન્ડ મોટરસાઇકલ ખરીદી હતી. શૂટરોએ પહેલી વખત જ ફાયરિંગ કર્યું હોવાનો ગુનો કબૂલ્યો છે. લૉરેન્સ બિશ્નોઈ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે એટલે શૂટરોને ગુજરાત તરફ જવાની સૂચના આપવામાં આવી હોવાની શક્યતા છે. આગળની તપાસ મુંબઈ પોલીસ કરશે.’

૧૦ દિવસની કસ્ટડી
મુંબઈ પોલીસના જૉઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) લક્ષ્મી ગૌતમે ગઈ કાલે પોલીસ મુખ્યાલયમાં પત્રકારોને માહિતી આપી હતી કે ‘સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બે શૂટરોને ગુજરાતના ભુજમાંથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ૪૮ કલાકની અંદર ઝડપી લીધા છે. શૂટરોને પકડવા માટે ૧૨ ટીમ બનાવવામાં આવી હતી. આરોપીઓને ગુજરાતથી આજે સવારના મુંબઈ લાવવામાં આવ્યા છે. તેઓ કઈ ગૅન્ગના છે, કોણે તેમને સુપારી આપી હતી, તેઓ ખરેખર સલમાનને મારવા માગતા હતા વગેરે સવાલના જવાબ મેળવવા માટે કોર્ટમાંથી આરોપીઓની ૧૦ દિવસની કસ્ટડી મેળવવામાં આવી છે. તેમની પૂછપરછ થયા બાદ જ બધા સવાલના જવાબ આપી શકાશે.’

મુંબઈમાં કોઈની દાદાગીરી ચલાવી નહીં લેવાય : એકનાથ શિંદે
શૂટરો પકડાઈ ગયા હોવાની જાણ થયા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે બપોર બાદ સલમાન ખાનના બાંદરા-વેસ્ટમાં આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી. સલીમ ખાન અને સલમાન ખાન સહિતના પરિવારજનોને સુરક્ષાની ખાતરી આપ્યા બાદ મુખ્ય પ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘શૂટરોને ગણતરીના કલાકોમાં પકડનારી મુંબઈ પોલીસની પ્રશંસા કરવી જોઈએ. મુંબઈ જ નહીં, મહારાષ્ટ્રમાં કોઈની દાદાગીરી નહીં ચલાવી લેવાય. કોઈ આંખ ઊંચી કરશે તો એ કાઢી લેવામાં આવશે. લોકોની સુરક્ષાની જવાબદારી પોલીસની સાથે સરકારની છે. સલમાન ખાનના પરિવારને અમે આશ્વાસાન આપીએ છીએ કે ફાયરિંગની આ ઘટનામાં જે પણ લોકો હશે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને પણ કાયદો અને વ્યવસ્થા ખરાબ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.’

Salman Khan salman khan controversies bandra Crime News bhuj kutch