15 January, 2024 04:07 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઇન્ડિગોની ફ્લાઈટ માટે વાપરવામાં આવેલી તસવીર
દિલ્હી-ગોવા ઈન્ડિગો ફ્લાઈટના કૅપ્ટન સાથે મારપીટ કરનારા આરોપી સાહિલ કટારિયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે પાઇલટની માફી માગતો જોવા મળી રહ્યો છે. જણાવવાનું કે સાહિલ કટારિયાને `નો ફ્લાય` લિસ્ટમાં નાખવાની શક્યતા છે.
હકીકતે, ફ્લાઈટ ડિલે થવા સંબંધે ઍરક્રાફ્ટ પાઈલટ એક જાહેરાત કરી રહ્યા હતા જેથી સાહિત ગુસ્સે થયો અને તેની સાથે મારપીટ કરવા માંડ્યો. રવિવારે સાંજે થયેલી આ ઘટનાનો કહેવાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટ (6ઈ-2175)માં થઈ. જણાવવાનું કે પ્રવાસી ફ્લાઈટમાં મોડું થવાને કારણે નારાજ હતો જેને કારણે તે પાઇલટ પર ભડકી ઉઠ્યો.
`સૉરી સર`
હવે, સાહિલ કટારિયાનો હાથ જોડીને પાઇલટની માફી માગતો વધુ એક વીડિયો ઑનલાઈન વાયરલ થઈ રહ્યો છે. આ નવા વીડિયોમાં, સાબિલ કટારિયા રેકૉર્ડિંગ કરી રહેલા એક વ્યક્તિને `સૉરી સર` કહેતો જોવા મળી રહ્યો છે. આના જવાબમાં, વીડિયો શૂટ કરનાર વ્યક્તિ `નો સૉરી` કહેતા સાંભળી શકાય છે.
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અમને ફરિયાદ મળી છે અને અમે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છીએ. પહેલા વીડિયો ક્લિપમાં, પાઈલટને મુક્કો માર્યા બાદ ચાલક દળના અન્ય સભ્યોને પ્રવાસી પર બરાડા પાડતા જોઈ શકાય છે. તો, ઍર હોસ્ટેસ પણ બરાડા પાડતા જોવા મળી રહ્યા છે.
દિલ્હીથી ગોવા જતી ફ્લાઈટમાં થયો હોબાળો
ફરિયાદ પ્રમાણે, આરોપી પેસેન્જરે કૉ-પાઇલટ પર હુમલો કર્યો અને ઈન્ડિગો ફ્લાઈટ નંબર 6E2175 દિલ્હીથી ગોવા જનારી ફ્લાઈટમાં હોબાળો કર્યો. આ ઘટના રવિવારે સાંજે થઈ, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો, વીડિયોમાં પાઇલટ પર હુમલો કરનારા પ્રવાસી પર ક્રૂ મેમ્બર્સ ઘટના બાદ તેને અટકાવતા જોવા મળ્યા. માનવામાં આવી રહ્યું છે કે ઈન્ડિગોની ફ્લાઈટ ધુમ્મસને કારણે મોડી પડી હતી, જેથી આરોપી નારાજ થયો હતો.
નો-ફ્લાય લિસ્ટમાં સામેલ કરવાની તૈયારી
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ડીસીપીએ જણાવ્યું કે ઈન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમને ફરિયાદ મળી છે અને અમે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ. ઈન્ડિગોએ આ મામલાની તપાસ માટે આંતરિક સમિતિની પણ રચના કરી છે. આ મામલો કમિટીને મોકલવામાં આવ્યો છે. આરોપીઓને નો-ફ્લાય લિસ્ટમાં સામેલ કરવા સહિતની કાર્યવાહી કરવાની પણ તૈયારી ચાલી રહી છે.
નોંધનીય છે કે પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સ મોડી પડતાં આ ઘટના બની હતી. આજે 110 ફ્લાઈટ્સ મોડી પડી છે અને 79 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. સરેરાશ વિલંબ 50 મિનિટ સુધી પહોંચ્યો. ફ્લાઇટના સતત વિલંબના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.