રોકાણકારોને ૨૪ હજાર કરોડ ચૂકવવા સહારા જૂથને બે મહિનાનો સમય મળ્યો

06 December, 2012 07:52 AM IST  | 

રોકાણકારોને ૨૪ હજાર કરોડ ચૂકવવા સહારા જૂથને બે મહિનાનો સમય મળ્યો



રોકાણકારોને ૧૫ ટકા વ્યાજ સાથે ૨૪,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવા માટે ગઈ કાલે સહારા જૂથને સુપ્રીમ ર્કોટે બે મહિનાનો સમય આપ્યો હતો. સુપ્રીમ ર્કોટના આદેશ પ્રમાણે સહારા જૂથની બે કંપનીએ ત્રણ કરોડથી વધારે રોકાણકારોને ૫૧૨૦ કરોડ રૂપિયાનો પહેલો હપતો તત્કાળ ચૂકવવો. ર્કોટના ચુકાદા મુજબ બન્ને કંપનીએ આટલી રકમનો ડ્રાફ્ટ બનાવીને માર્કેટનું નિયમન કરતી સંસ્થા સેબીને આપવો પડશે. તથા બાકીની રકમ ફેબ્રુઆરી સુધીમાં બે હપ્તામાં સેબી મારફતે રોકાણકારોને ચૂકવવી પડશે.

સુપ્રીમ ર્કોટના ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરના વડપણ હેઠળની બેન્ચે ચુકાદામાં કહ્યું હતું કે સહારા જૂથે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો બીજો હપ્તો જાન્યુઆરી, ૨૦૧૩ના પ્રથમ સપ્તાહ સુધી ચૂકવવો પડશે અને બાકીની રકમ ફેબ્રુઆરી, ૨૦૧૩ના પ્રથમ વીકમાં ચૂકવવાની રહેશે. રોકાણકારોના સંગઠન અને સેબીના વકીલોએ સુપ્રીમ ર્કોટના ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે બેન્ચે કહ્યું હતું કે ‘સહારા જૂથ એકસાથે આટલી રકમ ચૂકવી શકે એવી સ્થિતિમાં નથી. તેથી થાપણદારોના હિતમાં જ અમે આ નિર્ણય લીધો છે.’

સહારા કેમ ચૂકવશે રૂપિયા?

સહારા ગ્રુપની બે કંપની સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કૉર્પોરેશન અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશને ૨૦૦૮ અને ૨૦૧૧ દરમ્યાન રોકાણકારો પાસેથી અબજો રૂપિયાનું ભંડોળ મેળવ્યું હતું. જોકે બાદમાં સેબીએ નિયમોનો ભંગ થયો હોવાનું જણાવીને આ બન્ને કંપનીને રોકાણકારોને નાણાં પરત કરવાનો આદેશ આપ્યો હતો. એ પછી સહારા જૂથે આ આદેશને સિક્યૉરિટીઝ અપેલેટ ટ્રિબ્યુનલ (એસએટી)માં પડકાર્યો હતો. ટ્રિબ્યુનલે સહારા જૂથની અરજી પર સુનાવણીનો ઇનકાર કરીને સુપ્રીમ ર્કોટમાં જવા કહ્યું હતું.   

સેબી - SEBI = સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા