સામનામાં BJP પર ફરી અટૅક

21 October, 2014 05:18 AM IST  | 

સામનામાં BJP પર ફરી અટૅક




વરુણ સિંહ

રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ તરત જ સરકાર રચવા BJP સાથે ફરીથી હાથ મિલાવવાનો સંકેત આપતાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘હું માતોશ્રીમાં જ બેઠો છું. કોઈ પાસે સામેથી મદદ માગવા નથી જવાનો. જેને મદદ જોઈતી હશે તે મને મળવા આવશે.’

જોકે ગઈ કાલે પાર્ટીના મુખપત્ર ‘સામના’ના એડિટોરિયલમાં ફરીથી BJPની ટીકા કરતાં લખાયું હતું કે આ પાર્ટીએ શિવસેના સાથેની અઢી દાયકા જૂની યુતિ તોડી નાખીને કૉન્ગ્રેસ અને NCPને ચૂંટણીમાં ફાયદો કરાવી આપ્યો હતો.

રવિવારે સાંજ સુધીમાં એવી વાતો બહાર આવી હતી કે શિવસેનાનો ટેકો મેળવવા BJPએ પ્રયાસો હાથ ધર્યા હતા અને શિવસેનાએ પણ સંકેત તો આપ્યો જ હતો, પરંતુ ગઈ કાલે ‘સામના’ના લેખથી ફરીથી બન્ને પાર્ટી વચ્ચેના સંબંધોમાં તનાવ ઊભો થયો હતો તો બન્ને પાર્ટીના કેટલાક નેતાઓને આશ્ચર્ય પણ થયું હતું.

ગઈ કાલે સેનાભવનમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યો સાથેની બેઠક બાદ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત કરી હતી, પરંતુ ‘સામના’ના એડિટોરિયલ વિશે કોઈ કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. આ લેખમાં શિવસેનાએ સ્પષ્ટપણે લખ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીથી લઈને કૅબિનેટના પ્રધાનો અને BJPના કેન્દ્રીય નેતાઓ તેમ જ ગ્થ્ભ્શાસિત રાજ્યોના ચીફ મિનિસ્ટરોની મોટી ફોજ શિવસેના સામે ચૂંટણીપ્રચારમાં જોડાઈ હતી છતાં શિવસેનાએ હિંમતથી તેમનો મુકાબલો કરીને વિધાનસભાની ચૂંટણીમાં સન્માનજનક સફળતા મેળવી છે.

આ ઉપરાંત ‘સામના’માં BJPની ટીકા કરતાં કહેવામાં આવ્યું હતું કે ‘યુતિ તૂટવાથી વોટ વહેંચાઈ ગયા તેથી BJPને તો ફાયદો થયો, પરંતુ કૉન્ગ્રેસ અને NCPને પણ ધાર્યા કરતાં વધુ સીટો મળી હતી. શું આ રિઝલ્ટ્સથી સામાન્ય મતદારો ખુશ છે?’

શિવસેનાના આવા અણધાર્યા હુમલા બાદ પણ BJPના નેતાઓ કેમ મોં સીવીને બેઠા છે? એનું કારણ આપતાં એક સિનિયર લીડરે કહ્યું હતું કે જ્યાં સુધી રાજ્યમાં સરકાર રચવા માટે કોઈ રસ્તો ન નીકળે ત્યાં સુધી અમારી કેન્દ્રીય નેતાગીરીએ અમને શિવસેના વિરુદ્ધ કંઈ જ બોલવાની ચોખ્ખી મનાઈ ફરમાવી છે.