04 August, 2026 10:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રુચિકા સિંહની મમ્મી
જંતર મંતર પર કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ-પ્રદર્શન દરમ્યાન ૧૫ વર્ષની રુચિકા સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કમેન્ટ્સ કર્યા બાદ માફી માગી લીધી હતી, પણ હવે તેની મમ્મીએ કહ્યું છે કે ‘આ ઘટના બાદ અમારી સતત હેરાનગતિ થઈ રહી છે. અમે અમારું નોએડાનું ઘર છોડી દીધું છે છતાં અમારો પીછો કરવામાં આવી રહ્યો છે. અમને તો અમારા ઘરમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યાં છે.’
બે દિવસ પહેલાં રુચિકાની મમ્મીએ પુત્રી સાથે નોએડાનું ભાડાનું ઘર છોડી દીધું હતું કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આ મુદ્દે તેણે કહ્યું હતું કે ‘મારી દીકરી દસમા ધોરણની વિદ્યાર્થિની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કમેન્ટ્સને કારણે વિવાદમાં ફસાઈ ગયા પછી પોલીસ અને અજાણ્યા લોકો મારા ઘરના દરવાજા પર આવી રહ્યા હતા. મારી દીકરીએ માફી માગી છે અને વડા પ્રધાને તેને માફ કરી દીધી છે, પરંતુ મારો પરિવાર હજી પણ સતત હેરાનગતિનો સામનો કરી રહ્યો છે.’
પોતાના પરિવાર વિશે રુચિકાની મમ્મીએ કહ્યું હતું કે ‘હું મારી દીકરીને એકલી ઉછેરી રહી છું. મારા પતિનું ૨૦૧૯માં અકસ્માતમાં અવસાન થયું હતું અને મારો નાનો દીકરો મારાં સાસરિયાં સાથે રહે છે. લોકો અને પોલીસ અમારા ઘરે આવતાં રહે છે ત્યારે અમે ત્યાં કેવી રીતે રહી શકીએ? હું અને મારી દીકરી અમારા ભાડાના મકાનમાં રહી શકતાં નથી. પાડોશીઓ મને કહે છે કે લોકો હજી પણ કાળાં વાહનોમાં અમારા ઘરે આવે છે. ઉત્તર પ્રદેશ પોલીસ હજી પણ અમારા ઘરે આવે છે. હું અને મારી પુત્રી બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયાં છીએ. હું વિદ્યાર્થીઓને ભણાવતી હતી. મને ખબર નથી કે હવે અમારું ભવિષ્ય શું છે.’
દિલ્હી પોલીસે નોએડાની ૧૫ વર્ષની રુચિકા સિંહ સામે કોઈ કેસ નહીં દાખલ કરવાનો નિર્ણય લીધો છે. રુચિકા પર ગયા મહિને વિદ્યાર્થી-આંદોલન દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો બોલવાનો આરોપ છે. આ નિર્ણય વડા પ્રધાન મોદીના જાહેર નિવેદન બાદ લેવામાં આવ્યો છે જેમાં તેમણે ગુમરાહ થયેલાં બાળકોને માફ કરવાની જાહેરાત કરી હતી.