કર્ણાટકમાં ટીચર્સે બાળકોના હાથમાંથી ફરજિયાત રાખડી ઉતારાવી

13 August, 2022 09:00 AM IST  |  Mangaluru | Gujarati Mid-day Correspondent

ખૂબ વિરોધ થતાં સ્કૂલે કહ્યું કે ટીચર્સે રાખડીને ફ્રેન્ડશિપ બૅન્ડ સમજી લીધી હતી

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકની સ્કૂલ અને કૉલેજોમાં અવારનવાર વિવાદો સર્જાતા રહે છે. હવે મૅન્ગલોરની એક સ્કૂલમાં રાખડીને લઈને વિવાદ થયો છે. અહીં એક સ્કૂલના ટીચર્સે બાળકોને ન ફક્ત પોતાના હાથમાંથી રાખડી ઉતારવા માટે મજબૂર કર્યાં હતાં સાથે જ કેટલાંક બાળકોના હાથમાંથી રાખડી ઉતારીને એને ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી. આ ઘટના મૅન્ગલોરના કટિપલ્લાના ઇન્ફેન્ટ મૅરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની છે.

આ સ્કૂલના ટીચર્સે રક્ષાબંધનના ફેસ્ટિવલ પર સ્ટુડન્ટ્સને તેમની બહેનો દ્વારા બાંધવામાં આવેલી રાખડીઓને ઉતારવા માટે મજબૂર કર્યા હતા એટલું જ નહીં, એ રાખડીને કચરો પણ ગણાવી હતી.

આ ઘટનાની જાણકારી મળતાં જ આ સ્ટુડન્ટ્સના પેરન્ટ્સ આ સ્કૂલમાં પહોંચી ગયા હતા. અહીં તેમણે ખૂબ વિરોધ કર્યો હતો એટલું જ નહીં, હિન્દુ સ્ટુડન્ટ્સની સાથે આ ઘટના બની હોવાની જાણકારી મળતાં જ અનેક હિન્દુવાદી સંગઠનો પણ અહીં આવી પહોંચ્યાં હતાં. તેમણે આ સ્કૂલના વલણ સામે ભારે વિરોધ કર્યો હતો.

જોકે આખરે આ મામલે ખૂબ વિરોધ થતાં સ્કૂલના કન્વીનર ફાધર સંતોષ લોબોએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે તમામ સ્ટાફ મેમ્બર્સની મીટિંગ કરી હતી. ભૂલ કરનારાઓએ તેમની માફી માગી લીધી છે અને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

લોબોએ બચાવમાં કહ્યું હતું કે આ ટીચર્સે રાખડીને ફ્રેન્ડશિપ બૅન્ડ સમજી લીધી હતી. એ ગેરસમજના કારણે જ આ ઘટના બની હતી. ટીચર્સની અણસમજના કારણે આ ઘટના બની છે. 

national news karnataka mangalore raksha bandhan