પૂણે સિરિયલ બ્લાસ્ટમાં શંકાની સોય ઈન્ડિયન મુઝાહિદ્દીન પર

02 August, 2012 09:12 AM IST  | 

પૂણે સિરિયલ બ્લાસ્ટમાં શંકાની સોય ઈન્ડિયન મુઝાહિદ્દીન પર

પુણે : તા. 02 જુલાઈ

વિસ્ફોટોમાં એમોનિયમ નાઈટ્રેટ નામના વિસ્ફોટક રસાયણનો ઉપયોગ થયો હોવાનું તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે.

ગઈ કાલે બુધવારે સાંજે પૂણેમાં ભરચક બજારમાં ઉપરાઉપરી ચાર બોમ્બ ધડાકા થતા નાસભાગ મચી જવા પામી હતી. આ બોલ્બ વિસ્ફોટો કચરાના ડબ્બા અને સાયલકમાં પ્લાંટ કરવામાં આવ્યા હતાં. બોમ્બ ધડાકા કરવાની આ પદ્ધતિ મોટાભાગે ઈન્ડિયન મુઝાહિદ્દીન અપનાવતુ હોય છે. આ વખતના આ વિસ્ફોટોની પદ્ધતિને જોતા આ વિસ્ફોટોમાં પણ પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન ઈન્ડિયન મુઝાહિદ્દીનનો જ હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. હુમલાના પગલે આ સંગઠન તપાસ એજન્સીના ઘેરામાં છે. ઉપરાંત કેન્દ્રીય ગૃહ સચિવ આર કે સિંહે પણ આ વિસ્ફોટો આતંકી ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પૂણે બોમ્બ વિસ્ફોટોની તપાસ એનઆઈએ, એનએસજી અને ફોરેન્સીક ટીમો એ ઝડપી ગતિએ તપાસ હાથ ધરી હતી. તપાસ એજન્સીઓએ વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવેલી સાઈકલને તપાસ આદરી છે. આ સાયકલ ક્યાંથી, કોણે અને ક્યારે ખરીદી હતી તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. તેવી જ રીતે મેકડોનાલ્ડ અને દેના બેંક સામે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસી રહી છે. તપાસ એજન્સીઓને બોમ્બ વિસ્ફોટોમાં કોઈ ચિકણો પદાર્થ ઉપયોગમાં લેવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું છે. સરકાર એનઆઈએની ટીમ વધુ તપાસ માટે પૂણે મોકલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. વિસ્ફોટો સાથે સંબંધીત પ્રાથમિક અહેવાલ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને સોંપવામાં આવશે.

આ વિસ્ફોટોમાં જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો જેનું નામ દયાનંદ પાટિલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે દયાનંદની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે દયાનંદ પાટિલ કમલા ઓર્ક્ડ પર ચાલી રહેલા અણ્ણા હજારેના આંદોલનમાં રોકાયો હતો. તેના હાથમાં એક પ્લાસ્ટિકની બેગ હતી અને તે વિસ્ફોટો દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શરૂઆતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ પુછપરછ માટે ડેક્કન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ વ્યક્તિ નજીકમાં એક દુકાન ધરાવે છે અને દરજી તરીકે કામ કરતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળનારા સુશીલ કુમાર શિંદેને પહેલા જ દિવસે બોમ્બ વિસ્ફોટો જેવી ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે. શિંદેને ગઈ કાલે જ પૂણે ખાતે એક સમારોહમાં સામેલ થવાનું હતું ત્યારે થયેલા બોમ્બ વિસ્ફોટોથી પ્રશ્ન ઉભા થયા છે કે આ હુમલા શિંદેને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતાં કે પછી વિસ્ફોટોનું નિશાન કોઈ ઓર જ હતું? મામલાને ગંભીરતાથી લેતા શિંદેએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી જેમાં આઈબી અધ્યક્ષ, કેન્દ્રીય ગૃહ સચિવ સહિતના ટોચના અધિકારીઓ ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે પૂણેના જીએમ રોડ પર ગઈ કાલે સાંજે 7.27 થી 8.15 વાગ્યા દરમિયાન ચાર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતાં જ્યારે અન્ય એક બોમ્બ નિષ્ક્રિય બનાવવામાં આવ્યો હતો. આ તમામ બોમ્બ ધડાકા માત્ર અડધા કિલોમીટરના અંતરમાં જ થયા હોવાથી આ પૂર્વાયોજીત કાવતરૂ હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. પહેલો બોમ્બ વિસ્ફોટ ગંધર્વ રેસ્ટોરન્ટ નજીક, બીજો મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ નજીક, ત્રીજો વિસ્ફોટ નજીકમાં જ આવેલી દેના બેંકના એટીએમ બહાર અને ચોથો વિસ્ફોટ ગરવારે પૂલ નજીલ શૂ વર્લ્ડની બહાર થયો હતો. ગંધર્વ અને મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ નજીક થયેલા વિસ્ફોટો કચારાપેટીમાં અને દેશા બેંક નજીક થયેલો વિસ્ફોટ સાઈકલમાં ફીટ કરવામાં આવ્યો હતો.