રોહતકની બહેનો પુરુષોની ધોલાઈ કરવાની શોખીન છે?

05 December, 2014 04:42 AM IST  | 

રોહતકની બહેનો પુરુષોની ધોલાઈ કરવાની શોખીન છે?


હરિયાણાના રોહતકમાં ગયા શુક્રવારે ચાલતી બસમાં પોતાની છેડતી કરનાર યુવાનોને પીટી ચૂકેલી બે બહેનોનો બીજો વિડિયો બહાર આવ્યો છે. એ વિડિયોને નિહાળ્યા પછી હરિયાણાની સરકારે આ બન્ને બહેનોનું પ્રજાસત્તાક દિવસે સન્માન નહીં કરવાનો ફેંસલો કર્યો છે. આ વિશેની માહિતી આપતાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી જગદીશ યાદવે જણાવ્યું હતું કે તે બહેનોનું સન્માન કરવું કે નહીં એનો ફેંસલો નવા વિડિયોની ચકાસણી પછી કરવામાં આવશે.

આરોપી યુવાનોના પરિવારજનોની મુલાકાત લીધા બાદ મનોહર લાલ ખટ્ટરે આ નિર્ણય લીધો હતો. આરોપી યુવાનોના પરિવારજનોએ મુખ્ય પ્રધાનને વિનંતી કરી હતી કે આ કેસ વિશેનો કોઈ પણ નિર્ણય તપાસ પછી જ લેવામાં આવે. મનોહર લાલ ખટ્ટરે એ વિનંતીનો સ્વીકાર કર્યો હતો. બીજી તરફ હરિયાણા માર્ગ પરિવહન નિગમની જે બસમાં આ કિસ્સો બન્યો હતો એ બસના સોમવારે સસ્પેન્ડ કરવામાં આવેલા કન્ડક્ટર અને ડ્રાઇવરને ગઈ કાલે તત્કાળ અમલમાં આવે એ રીતે ફરી નોકરી પર લઈ લેવામાં આવ્યા છે. જોકે આ બન્ને સામેની ખાતાકીય તપાસ ચાલુ રહેશે.

પોતાની છેડતી કરનારા ત્રણ યુવાનોને કમરપટ્ટા વડે ફટકારીને સમાચારોમાં ચમકેલી આ બન્ને બહેનોનું સન્માન હરિયાણા મહિલા પંચનાં ઉપાધ્યક્ષ સુમન દહિયા કરી ચૂક્યાં છે.   
રોહતક-સોનેપત રોડ પર ચાલતી જે બસમાં છેડતી અને એ પછી મારામારીની ઘટના બની એ બસના કેટલાક અન્ય મુસાફરોએ એવું કહ્યું હતું કે આ કિસ્સો છેડતીનો નહીં, પણ બેસવાની સીટનો ઝઘડો હતો અને ત્રણેય યુવાનોએ એમની ધોલાઈ કરતી બહેનો પર હાથ ઉઠાવ્યો ન હતો. બન્ને બહેનો યોજનાબદ્ધ રીતે યુવાનો સાથે ઝઘડા કરીને એમને બ્લૅકમેઇલ કરતી હોવાનો દાવો પણ આરોપી પક્ષે એક વિડિયો-ક્લિપ રજૂ કરીને કર્યો હતો.