સોનિયા ગાંધીના જમાઈને મળી હરિયાણા સરકારની ક્લીન ચિટ

27 October, 2012 06:45 AM IST  | 

સોનિયા ગાંધીના જમાઈને મળી હરિયાણા સરકારની ક્લીન ચિટ




સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રા અને રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ વચ્ચેના જમીનના સોદાઓની હરિયાણાના ચાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ વાડ્રાને ક્લીન ચિટ આપવામાં આવી છે. વાડ્રા સામે આક્ષેપો કરનાર અરવિંદ કેજરીવાલ તથા બીજેપીએ તપાસનું આ જ પરિણામ આવશે એમ જણાવતાં તારણોને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. 

હરિયાણાના આઇએએસ અધિકારી અશોક ખેમકાએ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન તરીકે રૉબર્ટ વાડ્રા સામે તપાસનો આદેશ આપ્યો હતો. એ પછી ખેમકાની બદલી કરી નાખવામાં આવી હતી. બાદમાં હરિયાણા સરકારે ગુડગાંવ, ફરીદાબાદ, પલવાલ અને મેવાત એમ ચાર વિસ્તારના ડેપ્યુટી કમિશનરને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ તપાસનો અહેવાલ ઍડિશનલ સેક્રેટરીને સોંપાયો હતો. અહેવાલમાં વાડ્રા અને ડીએલએફના જમીનસોદામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો.

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)ના સભ્ય અરવિંદ કેજરીવાલે વાડ્રા અને ડીએલએફ વચ્ચેના જમીનસોદાઓની તપાસની માગણી કરી હતી. આ તપાસનાં ગઈ કાલે જાહેર થયેલાં તારણો બાદ તેમણે કહ્યું હતું કે ‘આ તપાસનું જો બીજું કોઈ પરિણામ આવ્યું હોત તો દેશને આશ્ચર્ય થયું હોત. આ જ પરિણામ આવશે એની બધાને ખબર હતી.’

બીજેપીએ પણ કહ્યું હતું કે વાડ્રાને ક્લીન ચિટ એ જાતે જ પોતાને સર્ટિફિકેટ આપી દેવા બરાબર છે. બીજેપીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે આ તારણો સ્વીકારવાનું કોઈ કારણ નથી.

ડીએલએફ = દિલ્હી લૅન્ડ ઍન્ડ ફાઇનૅન્સ, બીજેપી = ભારતીય જનતા પાર્ટી, આઇએએસ =  ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ