RJDના નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું 74 વર્ષની વયે નિધન

13 September, 2020 02:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

RJDના નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું 74 વર્ષની વયે નિધન

રઘુવંશ પ્રસાદ સિંહ

રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના નેતા અને લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ના સૌથી અંગત રઘુવંશ પ્રસાદ સિંહ (Raghuvansh Prasad Singh)નું રવિવારે નિધન થયું છે. તેમણે દિલ્હીની એઈમ્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને છેલ્લા ચાર દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેથી ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રઘુવંશ પ્રસાદ સિંહ જ્યારે પટનાની એઈમ્સ હૉસ્પિટલમાં ભરતી હતા ત્યારે તેમણે 23 જૂને પાર્ટીના ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ રામા સિંહના RJDમાં આવવાથી ખુશ ન હતા. રઘુવંશ પ્રસાદનો કોરોના રિપોર્ટ 18 જૂનના રોજ પૉઝિટિવ આવ્યો હતો. પહેલી જુલાઈએ તેમને પટનાની એઈમ્સ હૉસ્પિટલમાંથી રજા મળી હતી. રઘુવંશ પ્રસાદ સિંહ 1977માં પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા અને પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

લાલુ પ્રસાદ યાદવે રઘુવંશ પ્રસાદ સિંહને ટ્વીટરના માધ્યમથી શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે લખ્યું હતું કે, 'પ્રિય રઘુવંશ બાબુ આ તમે શું કર્યું? મેં પરમ દિવસે જ તમને કહ્યું હતું કે, તમે ક્યાંય નહીં જાવ. પરંતુ તમે આટલા દુર જતા રહ્યાં. નિ:શબ્દ હું. દુ:ખી છું. બહુ યાદ આવશો.'

10 સપ્ટેમ્બરે તેમને હૉસ્પિટલની પથારી પરથી RJD પ્રમુખ લાલુ યાદવને રાજીનામું મોકલી દીધું છે. તેમણે રાજીનામામાં લખ્યું હતું કે, જન નાયક કર્પૂરી ઠાકુરના નિધન પછી 32 વર્ષ સુધી તમારી પાછળ ઊભો રહ્યો, પણ હવે નહીં. પાર્ટી, નેતા, કાર્યકર્તાઓ અને જનતાનો ખૂબ પ્રેમ મળ્યો, મને માફ કરો.

લાલુ પ્રસાદ યાદવ રાંચીના બિરસા મુંડા જેલમાં છે. તેમની અંગત નારાજગીની વાત અંગે તેમણે જાતે મોરચો સંભાળ્યો છે. રઘુવંશને ચિઠ્ઠી લખી,‘RJD પરિવાર તમને સાજા થઈને સૌની વચ્ચે જોવા માગે છે. ચાર દાયકાથી આપણે દરેક રાજકીય, સામાજિક અને પરિવારના મામલામાં પણ સાથે બેસીને વિચારણા કરી છે. તમે સાજા થઈ જાઓ પછી બેસીને ચર્ચા કરીશું. તમારે ક્યાંય નથી જવાનું, સમજી લો.’

national news lalu prasad yadav