રેમડેસિવિર ઇન્જેક્શનની નિકાસ પર મુકાયો પ્રતિબંધ

12 April, 2021 10:55 AM IST  |  New Delhi | Agency

દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થવા સુધી પ્રતિબંધ કાયમ રાખવાનો મોદી સરકારનો નિર્ણય

રેમડેસિવિરના ઇન્જેકશન લેવા માટે અમદાવાદમાં ઝાયડસ હૉસ્પિટલની બહાર ભેગા થયેલા લોકો. PTI

કોરોના વાઇરસના સંક્રમણથી લડવા માટે જીવનાવશ્યક મનાતા ઇન્જેક્શન રેમડેસિવિરની નિકાસ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લાદ્યો છે. દેશમાં જ્યાં સુધી સ્થિત સામાન્ય નહીં થાય ત્યાં સુધી નિકાસ પરનો પ્રતિબંધ કાયમ રાખવાનું કેન્દ્ર સરકારે એલાન કર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી હતી, જેને અનુલક્ષીને સરકારે મહત્ત્વનો ગણી શકાય એવો ઉપરોક્ત નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે દેશમાં કોરોના વાઇરસના ૧૧ લાખ કરતાં વધુ ઍક્ટિવ કેસ નોંધાયા છે, પરિણામે એની સારવારમાં ઉપયોગમાં આવતાં રેમડેસિવિર ઇન્જેક્શનની માગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. આગામી દિવસોમાં આ માગ વધવી અપેક્ષિત છે. પરિણામે ભવિષ્યની પડકારજનક સ્થિતિને ધ્યાનમાં રાખતાં આ ઇન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. 
દેશમાં જ્યાં સુધી કોરોનાનો પ્રસાર કાબૂમાં નથી આવતો ત્યાં સુધી રેમડેસિવિરની નિકાસ પરનો પ્રતિબંધ કાયમ રહેશે. સરકાર જણાવે છે કે અનેક કંપનીઓ આ ઇન્જેક્શનના ઉત્પાદન સાથે જોડાયેલી છે તથા મહિને ૩૯ લાખ યુનિટ ઇન્જેક્શનનું ઉત્પાદન થાય છે. ઇન્જેક્શનના દૈનિક ઉત્પાદનના આંકડાને ધ્યાનમાં રાખતાં સરકારે ઇન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લાદવો આવશ્યક માન્યું હતું. આ ઉપરાંત સરકાર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર રોકવા તેમ જ સરળતાથી એની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કેટલીક અન્ય જાહેરાતો પણ કરી છે.

સુરતનાં ગ્રામીણ ક્ષેત્રોમાં પણ નાઇટ કરફ્યુ 
સુરતમાં કોરોના ઇન્ફેક્શનના કેસ વધતાં શહેરમાં ગુજરાત સરકારે ગયા અઠવાડિયે સુરત સહિત રાજ્યનાં ૨૦ શહેરોમાં નાઇટ કરફ્યુ લાગુ કર્યો હતો. સુરતના કલેક્ટર ધવલ પટેલે ગયા શનિવારે રાતે નોટિફિકેશન બહાર પાડીને જિલ્લાનાં ગામડાંમાં પણ રાત્રિની સંચારબંધી લાગુ કરી હતી.  

national news