12 June, 2025 10:14 AM IST | Meghalaya | Gujarati Mid-day Correspondent
રાજા રઘુવંશીને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી કૅન્ડલ માર્ચમાં હજારો સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા
મેઘાલયના સોહરાના રહેવાસીઓએ ઇન્દોરથી હનીમૂન માટે આવેલા રાજા રઘુવંશીને શ્રદ્ધાંજલિ આપી હતી અને રાષ્ટ્રીય મીડિયાગૃહોને માફી માગવા જણાવ્યું હતું. હનીમૂન કપલમાં પત્ની સોનમ દ્વારા પતિ રાજાની હત્યા થયા બાદ મીડિયાએ કરેલા રિપોર્ટિંગમાં મેઘાલય અને એના લોકોને ખોટી રીતે રજૂ કરવામાં આવતાં આ રાજ્યના લોકો નારાજ છે અને તેમણે મીડિયાને ૨૪ કલાકની અંદર જાહેરમાં માફી માગવા જણાવ્યું છે. અન્યથા મીડિયાગૃહોને કાનૂની લડતનો સામનો કરવા માટેનું કડક અલ્ટિમેટમ આપ્યું હતું.
રાજા રઘુવંશીને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી કૅન્ડલ માર્ચમાં હજારો સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા. તેમણે મીણબત્તીઓ પ્રગટાવી હતી, પ્રાર્થના કરી હતી અને મેઘાલયના લોકો રાજાના પરિવાર સાથે છે એવી ભાવના વ્યક્ત કરી હતી.
મેઘાલયના સોહરાના રહેવાસીઓએ રાજા રઘુવંશીની હત્યાના પગલે મેઘાલયના અન્યાયી ચિત્રણના વિરોધમાં શાંતિપૂર્ણ રૅલી યોજી હતી. મીડિયા રિપોર્ટિંગમાં અનેક રાષ્ટ્રીય ટીવી-ચૅનલો, ઑનલાઇન કૉમેન્ટેટર અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરો દ્વારા સોહરા અને મેઘાલયને અસુરક્ષિત ગણાવવામાં આવ્યાં હતાં. સ્થાનિક લોકોએ આવા રિપોર્ટિંગની આકરી ટીકા કરી હતી.