પૂર્વ લદાખમાં ભારતે ૬૫માંથી ૨૬ પૅટ્રોલિંગ પૉઇન્ટ્સ ગુમાવ્યાં

26 January, 2023 01:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લદાખના મુખ્ય શહેર લેહના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પીડી નિત્યાએ ગયા અઠવાડિયે પોલીસ અધિકારીઓની વાર્ષિક મીટિંગમાં જાહેર કરેલા અહેવાલ મુજબ હાલમાં પૂર્વ લદાખમાં કારાકોરમ દર્રાથી ચુમુર સુધી કુલ ૬૫ પૅટ્રોલિંગ પૉઇન્ટ્સ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી દિલ્હી : ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે મુજબ ભારતે પૂર્વ લદાખમાં ૬૫ પૅટ્રોલિંગ પૉઇન્ટ્સમાંથી ૨૬ પર પોતાની પહોંચ ગુમાવી દીધી છે. લદાખના મુખ્ય શહેર લેહના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પીડી નિત્યાએ ગયા અઠવાડિયે પોલીસ અધિકારીઓની વાર્ષિક મીટિંગમાં જાહેર કરેલા અહેવાલ મુજબ હાલમાં પૂર્વ લદાખમાં કારાકોરમ દર્રાથી ચુમુર સુધી કુલ ૬૫ પૅટ્રોલિંગ પૉઇન્ટ્સ છે. આમાંથી ૨૬ પૉઇન્ટ્સ પર ભારતે પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. સુરક્ષા દળો દ્વારા આ પૅટ્રોલિંગ પૉઇન્ટ્સ પ્રત્યે ઉપેક્ષા સેવાતાં આ પરિસ્થિતિ સામે આવી છે. આ મીટિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને એનએસએ અજિત ડોભાલ હાજર રહ્યા હતા. 

રિપોર્ટમાં જણાવાયું છે કે પૅટ્રોલિંગ પૉઇન્ટ્સ પરનો કબજો ગુમાવવાને કારણે ચીન આપણને એ માનવા મજબૂર કરી શકે છે કે લાંબા સમય સુધી આ ક્ષેત્રમાં આઇએસએફ કે ભારતીય નાગરિકોની હાજરી નહોતી, જ્યારે કે ચીન સતત હાજર રહી હતી. પીએલએની જમીન ઇંચ બાય ઇંચ હડપ કરવાની આ યુક્તિને ‘સલામી સ્લાઇસિંગ’ તરીકે ઓળખવામાં આવે છે.

national news leh ladakh indian army new delhi china