રિપબ્લિક ડે પર સૌથી ભવ્ય ફ્લાઈ-પાસ્ટ રહેશે, રફાલ સહિત ૭૫ ઍરક્રાફ્ટ્સ ભાગ લેશે

18 January, 2022 11:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વખતે રિપબ્લિક ડેની પરેડ ખૂબ નોખી રહેશે

‘સીમા ભવાની’ને સલામ : નવી દિલ્હીમાં વિજય ચોક ખાતે ગઈ કાલે શિયાળાની સવારે કડકડતી ઠંડીમાં આગામી રિપબ્લિક ડેની પરેડ માટે રિહર્સલ કરતી ડેરડેવિલ સ્ટન્ટ્સની પ્રૅક્ટિસ કરતી બીએસએફની ઑલ-વિમેન બાઇકર ટીમ ‘સીમા ભવાની’. (તસવીરઃ પી.ટી.આઇ.)

દેશભરમાં રિપબ્લિક ડેની પરેડ અને એમાં ભારતના વારસા અને સંસ્કૃતિની ઝલક રજૂ કરતાં જુદાં-જુદાં રાજ્યોના ટૅબ્લોને જોવા માટે અનેરો ઉત્સાહ હોય છે. આ વખતે રિપબ્લિક ડેની પરેડ ખૂબ નોખી રહેશે, કેમ કે આ સમારોહ દરમ્યાન પાંચ રફાલ સહિત ૭૫ લડાકુ વિમાન અત્યાર સુધીના સૌથી ભવ્ય ફ્લાઈ-પાસ્ટમાં સામેલ થશે, જે સમગ્ર દુનિયાને ભારતની તાકાતથી વાકેફ કરાવશે.
ઍરફોર્સના સ્પોક્સમૅન વિંગ કમાન્ડર ઇન્દ્રનીલ નંદીએ જણાવ્યું હતું કે ‘આઝાદીના અમૃત મહોત્સવ સમારોહ હેઠળ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. રિપબ્લિક ડેની પરેડના પ્રસંગે રાજપથ પર પાંચ રફાલ વિમાન કરતબ કરતાં જોવા મળશે અને પોતાની તાકાત રજૂ કરશે. સાથે જ નૌકાદળનાં મિગ-૨૯કે અને પી-૮આઇ સર્વેલન્સ પ્લેન પણ ઉડાન ભરશે.’ 
ગ્લોબલ કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલા રિપબ્લિક ડે પરેડના આયોજનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. મહામારીને ધ્યાનમાં રાખીને રિપબ્લિક ડેની પરેડ દરમ્યાન લગભગ ૨૪,૦૦૦ લોકોને જ હાજર રહેવાની પરમિશન આપવામાં આવશે. 

national news republic day