કારના શોખીન હતા બોઝ, જાણો તેમના જીવનની જાણી અજાણી વાતો

23 January, 2019 04:26 PM IST  | 

કારના શોખીન હતા બોઝ, જાણો તેમના જીવનની જાણી અજાણી વાતો

નેતાજી હતા ગાડીઓના શોખીન

'તૂમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા', આ નારો આપનારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો આજે જન્મદિવસ છે. આઝાદ હિંદ ફોજના સ્થાપક અને દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે પોતાનું મહત્વનું યોગદાન આપનાર નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના દિવસે થયો હતો. નેતાજીનો પહેલો પ્રેમ આઝાદી હતો પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે તેમનો બીજો પ્રેમ ગાડીઓ હતી. તેમને પસંદગીની એક ગાડી આજે પણ દેશની ધરોહરના રૂપમાં સાચવીને રાખવામાં આવી છે. આ ગાડીએ આઝાદીના સફરમાં નેતાજીનો ખૂબ જ સાથ આપ્યો અને અનેક વાર તેમનો જીવ પણ બચાવ્યો.

નેતાજીનો જન્મ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. કટકમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે રેવેનશા કૉલેજિયેટ સ્કૂલમાં એડમિશન લીધું. જે બાદ તેમણે કોલકાતા યૂનિવર્સિટીમાં શિક્ષણ લીધું. 1919માં બીએની પરીક્ષા તેમણે પ્રથમ શ્રેણીમાં પાસ કરી અને યૂનિવર્સિટીમાં તેમને બીજું સ્થાન મળ્યું હતું.

....જ્યારે મહાત્મા ગાંધીને મળ્યા નેતાજી

20 જુલાઈ 1921ના દિવસે સુભાષ ચંદ્ર બોઝની પહેલી વાર મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઈ. ગાંધીજીની સલાહ પર તેઓ સ્વતંત્રતા સંગ્રામ માટે કામ કરવા લાગ્યા. આઝાદીની ચળવળની સાથે સાથે સામાજિક કાર્યો તરફ પણ તેમનો ઝુકાવ રહ્યો. બંગાળમાં આવેલા ભયાનક પૂર સમયે ફસાયેલા લોકોને ભોજન, વસ્ત્રો આપવાનું અને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનુમં સાહસપૂર્ણ કામ કર્યું. સમાજ સેવાનું કામ નિયમિત રૂપથી ચાલતું રહે તે માટે તેમણે 'યુવક દળ'ની સ્થાપના કરી.

ઑસ્ટ્રિયામાં કર્યા હતા પ્રેમ લગ્ન

સુભાષચંદ્ર બોઝની પત્ની સાથેની રેર તસવીર

વર્ષ 1934માં જ્યારે સુભાષ ઑસ્ટ્રિયામાં રોકાયા હતા, એ સમયે પોતાનું પુસ્તક લખવા માટે તેમને એક ટાઈપિસ્ટની જરૂર હતી. તેમના એક મિત્રએ તેમની મુલાકાત એમિલી શેંકલ નામની ઑસ્ટ્રિયન મહિલા સાથે કરાવી. એમિલિના પિતા જાણીતા પશુ ચિકિત્સક હતા. એમિલિએ સુભાષના ટાઈપિસ્ટ તરીકે કામ કર્યું. આ જ દરમિયાન સુભાષ એમિલીને દિલ દઈ બેઠા. એમિલી પણ તેમને ખૂબ જ પસંદ કરતા હતા. નાઝી જર્મનીના કડક નિયમોને જોતા બંનેએ વર્ષ 1942માં બાડ ગાસ્ટિન નામના સ્થાન પર હિંદૂ રીતિ-રિવાજથી લગ્ન કરી લીધા. જે બાદ વિયેનામાં એમિલીએ એક પુત્રીને જન્મ આપ્યો. સુભાષે પહેલી વાર તેને ત્યારે જોઈ જ્યારે તે માંડ ચાર અઠવાડિયાની હતી. સુભાષે તેનું નામ અનિત બોસ રાખ્યું હતું. ઑગસ્ટ 1945માં તાઈવાનમાં થયેલી કથિત વિમાન દુર્ઘટનામાં જ્યારે સુભાષ બાબૂનું મોત થયું ત્યારે અનિતની ઉંમર પોણા ત્રણ વર્ષના હતા. અનિતા પોતાના પિતાના પરિવારજનોને મળવા માટે ક્યારેક ક્યારેક ભારત આવે છે.

નેતાજીને 11 વાર થઈ જેલ

જાહેર જીવનમાં નેતાજીને કુલ 11 વાર જેલની સજા કરવામાં આવી હતી. સૌથી પહેલા તેમને 16 જુલાઈ 1921માં તેમને છ મહિનાની સજા કરવામાં આવી છે. 1941માં એક કેસના સિલસિલામાં તેમને કલકતાની એક અદાલતમાં રજૂ થવાનું હતું પરંતુ તેઓ ઘર છોડીને જતા રહ્યા અને જર્મની પહોંચી ગયા. જર્મનીમાં તેમણે હિટલર સાથે મુલાકાત કરી. અંગ્રેજોની વિરુદ્ધમાં યુદ્ધ માટે તેમણે આઝાદ હિન્દ ફોજની રચના કરી.

કારના શોખીન હતા નેતાજી

નેતાજી પર રીસર્ચ કરનારાઓનું કહેવું છે કે આમ તો નેતાજીના ભવનમાં અનેક ગાડીઓ હતી. પરંતુ વાંડરર કાર નાની અને સસ્તી હતી. આ કારનો સામાન્ય રીતે મધ્યમ આવક ધરાવતા લોકો ગ્રામીણ વિસ્તારમાં ઉપયોગ કરતા હતા. નેતાજીના ભવનમાં રાખેલી વાંડરર કારનો વધુ ઉપયોગ નહોતો થતો. વિચક્ષણ બુદ્ધિના માલિક નેતાજી સારી રીતે જાણતા હતા કે કોઈ બીજી ગાડીનો ઉપયોગ કરશે તો તેઓ સરળતાથી બ્રિટિશ પોલીસની નજરમાં આવી જશે. અંગ્રજોની આંખમાં ધૂળ નાખવા માટે તેમણે આ કાર પસંદ કરી હતી. 18 જાન્યુઆરી, 1941ના દિવસે આ જ કારથી નેતાજી, શિશિર સાથે ગોમો રેલ્વે સ્ટેશન(ત્યારના બિહાર, અત્યારના ઝારખંડ)માં પહોંચ્યા હતા અને ત્યાંથી કાલકા મેલ પકડીને દિલ્હી ગયા હતા.

નેતાજીની માનીતી કાર

નેતાજીના મોત પર રહસ્ય

નેતાજીની મોત પર રહસ્ય આજે પણ યથાવત છે. 18 ઑગસ્ટ 1945ના દિવસે તેઓ વિમાનથી મંચૂરિયા જઈ રહ્યા હતા. આ સફર દરમિયાન તાઈહોકૂ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. સુભાષચંદ્ર બોઝનું નિધન ભારતના ઈતિહાસનું સૌથી મોટું રહસ્ય છે. તેમના મોત પર અનેક અટકળો સામે આવતી રહી છે. ભારત સરકારે RTIના જવાબમાં સફાઈ આપી હતી કે તેમનું નિધન વિમાન અકસ્માતમાં થયું હતું. પરંતુ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખુદ જાપાન સરકારે આ વાતની પુષ્ટિ કરી હતી કે 18 ઑગસ્ટ 1945ના દિવસે તાઈવાનમાં કોઈ વિમાન અકસ્માત નહોતો થયો. જેથી આજે પણ નેતાજીનું મોત એક રહસ્ય છે.

subhash chandra bose national news