અયોધ્યામાંથી મળ્યા રામમંદિરના અવશેષ, પ્રાચીન દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી

22 May, 2020 07:09 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

અયોધ્યામાંથી મળ્યા રામમંદિરના અવશેષ, પ્રાચીન દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી

પ્રતિકાત્મક તસવીર

અયોધ્યામાં રામજન્મભૂમિ પરિસરમાં ચાલી રહેલા સમથળીકરણ દરમ્યાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કેટલીક પુરાતા‌ત્ત્વ‌િક મૂર્તિઓ, થાંભલા અને શિવલિંગ મળ્યાં છે. ૪ ફુટથી મોટું એક શિવલિંગ એ જગ્યાએથી મળ્યું છે જ્યાં કાટમાળને હટાવવા અને સમથળીકરણનું કામ ચાલી રહ્યું હતું. મૂર્તિઓ મળતાં હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે ‘આ તમામ આરોપોનો જવાબ છે. આ અવશેષ મળતાં બ‍ધા સ્તબ્ધ છે.’

હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા દરમ્યાન મુસ્લિમ પક્ષે હિન્દુ તાલિબાનનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે ત્યાં મંદિરના કોઈ અવશેષ નથી. પુરાતાત્ત્વ‌િક મૂર્તિઓ મળવી એ આ આરોપોનો જવાબ છે, જે અમે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા કરતા આવ્યા હતા.

અગ્રણી મીડિયા સાથે વાત કરતાં હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે સુપ્રીમ કોર્ટને અમે કહ્યું હતું કે ત્યાં (રામ જન્મભૂમિ) પરિસરમાં કેટલાંય મંદિરોના અવશેષ છે. એક શિવલિંગ એએસઆઇને પહેલાં પણ મળ્યું હતું, જ્યારે પહેલા ખોદકામનો આદેશ આપ્યો હતો. ત્યાં ભવ્ય મંદિર હતું, આથી સુપ્રીમ કોર્ટે અમને એ જ જગ્યા આપી છે. એએસઆઇના રિપોર્ટમાં કહ્યું હતું કે ત્યાં ઘણાં બધાં મંદિરના અવશેષ છે. બાબરી મસ્જિદની નીચે રામમંદિરનું ખૂબ મોટું સ્ટ્રક્ચર હતું. આજે મળેલા પુરાતાત્ત્વ‌િક પુરાવા જણાવે છે કે આપણે સુપ્રીમ કોર્ટની સામે જે તર્ક મૂક્યો હતો એ કેટલો મજબૂત હતો.

ayodhya national news