મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને પટના હાઈકોર્ટે આપી રાહત, હવે...

24 April, 2023 03:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ અરજી મોદી સરનેમ કેસને લઈને 2019માં જ દાખલ કરવામાં આવી હતી. ભાજપના સાંસદ સુશીલ મોદીએ તેમની સામે કેસ દાખલ કર્યો હતો

ફાઇલ તસવીર

મોદી સરનેમ કેસ (Modi Surname Case)માં રાહુલ ગાંધી (Rahul Gandhi)ને પટના હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે. હાઈકોર્ટે પટનાના MP MLA કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. હવે રાહુલ ગાંધી 25મી એપ્રિલે પટનાની નીચલી કોર્ટમાં હાજર નહીં થાય. હાઈકોર્ટે સુનાવણીની આગામી તારીખ 15 મે નક્કી કરી છે અને આ તારીખ સુધી નીચલી કોર્ટની કાર્યવાહી પર પણ રોક રહેશે.

આ અરજી મોદી સરનેમ કેસને લઈને 2019માં જ દાખલ કરવામાં આવી હતી. ભાજપના સાંસદ સુશીલ મોદીએ તેમની સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં પટનાની સાંસદ-ધારાસભ્ય કોર્ટે રાહુલને 25 એપ્રિલે વ્યક્તિગત રીતે હાજર થવા માટે કહ્યું હતું. આ પછી રાહુલે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે જસ્ટિસ સંદીપ કુમારની સિંગલ બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

મોદી સરનેમ કેસની બદનક્ષીના ચાર વર્ષ જૂના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના આ નિર્ણય બાદ સચિવાલય દ્વારા તેમનું લોકસભાનું સભ્યપદ પણ રદ કર્યું હતું. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ સ્પીકર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી કર્ણાટકના કોલારમાં ભાષણ આપી રહ્યા હતા. અહીં તેમણે મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: પ્રયાગરાજની હોટલમાંથી મળ્યો યુપીના ડેપ્યુટી CMOનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?

રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? તમામ ચોરોની અટક મોદી કેમ હોય છે. આ નિવેદન બાદ ગુજરાતના પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ તેમની સામે ગુજરાતની સેશન્સ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તે જ સમયે, ભાજપના રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીએ પણ આ નિવેદનને લઈને MP MLA કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

national news rahul gandhi patna