21 February, 2025 10:32 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રામલીલા મેદાનમાં આયોજિત સમારોહમાં રેખા ગુપ્તાને શપથ લેવા આગળ આવવાનો ઇશારો કરતા નરેન્દ્ર મોદી. આ સમારોહમાં BJPના કાર્યકરો વડા પ્રધાનનું ફુલ સાઇઝ કટઆઉટ લઈને આવ્યા હતા.
રેખા ગુપ્તાએ ગઈ કાલે રામલીલા મેદાનમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે પ્રવેશ સાહિબ સિંહ વર્મા, કપિલ મિશ્રા, આશિષ સૂદ, મનજિન્દર સિંહ સિરસા, રવીન્દર ઇન્દ્રજ સિંહ અને પંકજ સિંહે કૅબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લીધા હતા. રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથા મહિલા મુખ્ય પ્રધાન છે. તેમની પહેલાં આતિશી, શીલા દીક્ષિત અને સુષમા સ્વરાજ દિલ્હીનાં ચીફ મિનિસ્ટર રહી ચૂક્યાં છે.
રેખા ગુપ્તાએ શપથવિધિ પછી ટીમ સાથે યમુના આરતીમાં ભાગ લીધો
ગઈ કાલે દિલ્હીમાં વાસુદેવ ઘાટ પર પોતાના કૅબિનેટ મિનિસ્ટરો સાથે યમુના આરતી કરતાં રેખા ગુપ્તા.
શપથવિધિ સમારોહ પછી રેખા ગુપ્તાએ તેમના કૅબિનેટ મિનિસ્ટરો સાથે વાસુદેવ ઘાટ પર યમુના આરતીમાં ભાગ લીધો હતો. આરતી પછી રેખા ગુપ્તાએ મીડિયાને કહ્યું હતું કે મા યમુનાની આરતી વખતે અમે આ પવિત્ર નદીને સ્વચ્છ કરવાના નિર્ધારને યાદ કર્યો હતો, નદીને સ્વચ્છ કરવા અમે જરૂરી સ્રોતનો ઉપયોગ કરીશું અને આ અમારી પ્રાયોરિટી રહેશે.
હું શીશમહલમાં રહેવા નહીં જાઉં, અમે એને મ્યુઝિયમ બનાવીશું
દિલ્હીનાં નવાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ કરી જાહેરાત
મુખ્ય પ્રધાન તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યા બાદ પહેલી કૅબિનેટ મીટિંગમાં રેખા ગુપ્તા.
દિલ્હીનાં નવાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે તેઓ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ સત્તાવાર ઘરમાં રહેવા નહીં જાય. BJPએ આ ઘરને શીશમહલ નામ આપ્યું છે. રેખા ગુપ્તાએ કહ્યું હતું કે અમે આ શીશમહલને મ્યુઝિયમમાં પરિવર્તિત કરીશું.