✕

પતિ-પત્ની બાખડ્યાં એમાં ઉત્તરાખંડ સરકારની ફજેતી થઈ

19 October, 2026 03:58 PM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

મિનિસ્ટર પત્નીએ પતિ સામે પ્રથમ લગ્ન છુપાવવાનો, શારીરિક હુમલો કરવાનો અને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો તો સામે પતિએ ભાંડો ફોડ્યો કે મારી પત્નીએ ૨૧૦ કરોડની ગેરકાયદે સંપત્તિ બનાવી છે

ઉત્તરાખંડ સરકારનાં પ્રધાન રેખા આર્યના પતિ ગિરધારી લાલ સાહુ

ઉત્તરાખંડ સરકારનાં પ્રધાન રેખા આર્યના પતિ ગિરધારી લાલ સાહુએ શુક્રવારે પત્ની પર ૨૧૦ કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિ એકત્ર કરવાનો આરોપ લગાવીને સનસનાટી મચાવી હતી. ગિરધારી લાલ સાહુએ માગણી કરી હતી કે મેં લગાવેલા આરોપોની તપાસ કરવામાં આવે. આ પહેલાં ગુરુવારે રેખા આર્યાએ તેમના પતિ પર શારીરિક હુમલો કરવાનો, સતામણી કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. રેખા આર્યએ એવો પણ આરોપ મૂક્યો છે કે મારા પતિએ તેમનાં આગલાં લગ્ન મારાથી છુપાવ્યાં હતાં અને અત્યારે પણ તેમના અન્ય મહિલાઓ સાથે સંબંધ છે. આ બધા આરોપો સાથે તેમણે પતિ સામે પોલીસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ પણ નોંધાવ્યો હતો.
શુક્રવારે જાહેર કરાયેલા એક વિડિયોમાં ગિરધારી લાલ સાહુએ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને આ કથિત ભ્રષ્ટાચારની યોગ્ય એજન્સી દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપવા વિનંતી કરી છે. 
ગુરુવારે સાંજે રેખા આર્ય દ્વારા શૅર કરવામાં આવેલા એક ઑડિયો-રેકૉર્ડિંગને ગિરધારી લાલ સાહુએ નકલી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટેડ અને બનાવટી ગણાવીને ફગાવી દીધું હતું; તેમણે આરોપ લગાવ્યો કે આ રેકૉર્ડિંગ પરિવારમાં મતભેદ પેદા કરવા માટે ફેલાવવામાં આવ્યું હતું.
સાહુએ પોતાની સામેના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને પત્નીને અપીલ કરી કે તે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) પાછો ખેંચી લે અને પોતાનાં નિવેદનો પાછાં ખેંચી લે.

પત્નીને આવ્યો છે અહંકાર

પ્રધાનપદને કારણે આવેલી અહંકારી વૃત્તિ વિશે ચેતવણી આપતાં ગિરધારી લાલ સાહુએ કહ્યું હતું કે ‘રેખાને જાહેર જીવનમાં આગળ વધવામાં મેં આપેલી મદદને તે ભૂલી ગઈ છે. આજે તું સત્તામાં છે, પરંતુ તું એ દિવસો ભૂલી ગઈ છે, મેં તને ત્યાં પહોંચવામાં મદદ કરી છે. હું તેને અહીં સુધી લાવ્યો છું, તે રસ્તા પર ઊભેલી એક સામાન્ય સ્ત્રી હતી. જો તમે તમારું નિવેદન પાછું નહીં ખેંચો, તો ભોલે બાબા તમને દરેક બાબત માટે જવાબદાર ઠેરવશે.’

પત્નીએ આરોપો ફગાવી દીધા

પતિના આરોપોનો જવાબ આપતાં રેખા આર્યાએ ગઈ કાલે એક નિવેદન બહાર પાડીને બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘તેઓ ફરિયાદ પાછી ખેંચશે નહીં, કારણ કે ઑડિયો સંપૂર્ણપણે સાચો છે અને AI જનરેટેડ નથી. હું મારા દેવતા ગોલુ બાબાના શપથ લઈને કહું છું કે મારી ફરિયાદ સાચી છે, પતિએ મારી સામે લગાવેલા તમામ આરોપો જૂઠા છે.’

uttarakhand viral videos social media national news bharatiya janata party