16 August, 2025 12:13 PM IST | Cuttack | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘસંચાલક મોહન ભાગવતે રખડતા શ્વાનની વધતી સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે શ્વાનને શેલ્ટર હોમમાં મોકલવાથી સમસ્યાનું સમાધાન નહીં આવે, એમની સંખ્યાને નિયંત્રિત કરવી એ જ એક ઉપાય છે.
બે દિવસ માટે ઓડિશાની મુલાકાતે ગયેલા મોહન ભાગવતે ગુરુવારે કટકમાં આયોજિત એક ધાર્મિક સભામાં રખડતા શ્વાનના મુદ્દે પોતાનો મત રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં રખડતા શ્વાનોને ૮ અઠવાડિયાંમાં શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ દેશભરના લોકોએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મોહન ભાગવતે જણાવ્યું હતું કે ‘મનુષ્ય અને પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહેવું જોઈએ. વિકાસ અને પર્યાવરણ બન્નેનું સંતુલિત સહઅસ્તિત્વ આવશ્યક છે.’
કટકમાં આયોજિત આ સભામાં ૫૦૦થી વધુ સંતો ઉપસ્થિત હતા.
ગુરુવારે ફેરસુનાવણી દરમ્યાન ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન. વી. અંજારિયાની વિશેષ ખંડપીઠે તમામ પક્ષકારોને સાંભળીને પોતાનો નિર્ણય યથાવત્ રાખ્યો છે.