08 September, 2025 09:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જૈન સાધુનાં કપડાં પહેરીને આવેલો ચોર હીરા-માણેકજડિત કળશ ઉપાડી ગયો
ગયા મંગળવારે દિલ્હીમાં લાલ કિલ્લાના પરિસરમાંથી આશરે એક કરોડ રૂપિયાના કળશની ચોરી થઈ હતી. લાલ કિલ્લાના પરિસરમાં ધાર્મિક વિધિ ચાલી રહી હતી અને લોકો વિધિમાં વ્યસ્ત હતા ત્યારે ચોરે ૭૬૦ ગ્રામ સોનું અને ૧૫૦ ગ્રામ હીરા, માણેક, નીલમણિ જડિત કળશની ચોરી કરી હતી. હાલમાં પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી છે. પોલીસે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પરથી આરોપીની ઓળખ કરી લીધી છે અને તપાસ ચાલી રહી છે.
આ મુદ્દે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ગેટ-નંબર ૧૫ પાસે લાલ કિલ્લાના પાર્કમાં જૈન ધર્મના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નૉર્થ દિલ્હીના ડેપ્યુટી પોલીસ-કમિશનર રાજા બન્થિયાએ જણાવ્યું હતું કે ‘પોલીસે એક વિશેષ ટીમ બનાવી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોર ઘણા દિવસથી ત્યાં આવતો-જતો હતો.’
સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં દેખાય છે કે આરોપી પારંપરિક ધોતી પહેરીને જૈન સાધુ જેવી વેશભૂષામાં આવ્યો હતો.