મુંબઈના ભૂતપૂર્વ મેયર ડૉ. શુભા રાઉલ ના ઘરના ના ઘાટ ના

27 October, 2014 05:48 AM IST  | 

મુંબઈના ભૂતપૂર્વ મેયર ડૉ. શુભા રાઉલ ના ઘરના ના ઘાટ ના



ભૂતપૂર્વ મેયર ડૉ. શુભા રાઉળ એક વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ ગયાં છે. શિવસેનાનાં નગરસેવિકા હોવા છતાં તેઓ શિવસેનાના ઉમેદવાર વિનોદ ઘોસાળકર સામે MNSની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં. હવે જ્યારે તેઓ ચૂંટણી હારી ગયાં છે ત્યારે મૂંઝવણ અનુભવી રહ્યાં છે કે પોતે કઈ પાર્ટીનાં છે. ચૂંટણી લડવા માટે તેઓ MNSમાં જોડાયાં નહોતાં અને એ સાથે જ તેમણે શિવસેના પણ છોડી નથી. શુભા રાઉળ હાલમાં ય્-ઉત્તર વૉર્ડનાં નગરસેવિકા છે.

સુધરાઈમાં શિવસેના-BJPની સત્તા છે. જો વિધાનસભામાં યુતિ કરવાની વાટાઘાટો નિષ્ફળ જાય તો BJP સુધરાઈમાંથી એનો ટેકો ખેંચી લે એવી અટકળો ચાલી રહી છે. શુભા રાઉળ અમુક મહત્વની સમિતિઓનાં સભ્ય છે જે શિવસેના ગુમાવવાનું પસંદ નહીં કરે.

 શુભા રાઉળને પોતાને જ ખબર નથી કે તેમણે શિવસેના કે MNSમાંથી કઈ ઑફિસે જવું. તેઓ હાલમાં સૌને ટાળી રહ્યાં છે. શુભા રાઉળને આ વિશે પ્રશ્ન કરતાં તેમણે કહ્યું હતું કે મને ખબર નથી કે હું કઈ પાર્ટીમાં છું અને મારે કયા ઠાકરેભાઈની સલાહ લેવી? જોકે વિનોદ ઘોસાળકર સામે લડવાના પોતાના નિર્ણયને તેઓ વળગી રહ્યાં છે.

શુભા રાઉળે કહ્યું હતું કે ‘કોની સાથે આ બાબતે ચર્ચા કરવાની એની મને જાણ નથી. હાલમાં હું મારા કુટુંબ પ્રત્યે ધ્યાન આપી રહી છું. તેમને હું છેલ્લા ઘણા મહિનાથી સમય નહોતી આપી શકી. જ્યારે મારું મન સ્પષ્ટ થશે ત્યારે હું સુધરાઈમાં જઈશ.’

‘મિડ-ડે’એ સુધરાઈના એક અધિકારી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે ‘જ્યાં સુધી કોઈ નગરસેવક રાજીનામું ન આપે ત્યાં સુધી તે એ જ પાર્ટીનો નગરસેવક રહે છે. જો એ પાર્ટી તેની હકાલપટ્ટી કરે તો પણ તેનું નગરસેવકપદ જળવાઈ રહે છે. સુધરાઈમાં પોતાની બહુમતી જાળવી રાખવા કોઈ પક્ષ એના નગરસેવકની હકાલપટ્ટી કરતો નથી, પરંતુ તેને ચેતવણી આપે છે.’

અગાઉનો કિસ્સો


આ અગાઉ આવો જ એક કિસ્સો જ્યોતિ દિઘેનો બન્યો હતો. તેઓ શિવસેનાનાં નગરસેવિકા હતાં અને પાર્ટી બદલીને કૉન્ગ્રેસમાં જોડાઈ ગયાં હતાં. તેઓ તેમના સુધરાઈના સમયગાળા દરમ્યાન સત્તાધારી પક્ષમાં બેસતાં હતાં અને વિરોધ પક્ષને ટેકો આપતાં હતાં. હાલમાં તેઓ કૉન્ગ્રેસનાં નગરસેવિકા છે. સૂત્રો જણાવે છે કે શુભા રાઉળ પણ આવું જ કંઈક કરશે.