જૂની ફાટેલી નોટોમાંથી ફર્નિચર બનાવશે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

01 June, 2025 08:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

RBIના ૨૦૨૪-’૨૫ના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારત દર વર્ષે લગભગ ૧૫,૦૦૦ ટન બૅન્કનોટ સ્ક્રૅપ અથવા બ્રિકેટ ઉત્પન્ન કરે છે

જૂની ફાટેલી નોટોમાંથી ફર્નિચર બનાવશે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ટેક્નિકલ સંસ્થાઓ સાથે મળીને ખરાબ અને જૂની નોટોને લાકડાના બોર્ડમાં રૂપાંતરિત કરવા માટે એક યોજના બનાવી છે. આ સંદર્ભમાં RBIના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે RBIની પહેલનો હેતુ બૅન્કનોટના કચરાનું પાર્ટિકલ બોર્ડમાં રીસાઇક્લિંગ કરીને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. RBI જૂની નોટોમાંથી કૉમ્પ્રેસ્ડ બ્લૉક્સનું ઉત્પાદન કરશે જેનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે કરવામાં આવશે.

RBIના ૨૦૨૪-’૨૫ના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભારત દર વર્ષે લગભગ ૧૫,૦૦૦ ટન બૅન્કનોટ સ્ક્રૅપ અથવા બ્રિકેટ ઉત્પન્ન કરે છે. પરંપરાગત રીતે આને બાળી નાખવામાં આવે છે અથવા લૅન્ડફિલમાં વાપરવામાં આવે છે જે પર્યાવરણીય રીતે ફાયદાકારક નથી. આનો ઉકેલ શોધવા માટે RBIએ કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળની સંસ્થા વુડન સાયન્સ ઍન્ડ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે ભાગીદારી કરી છે. એના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચલણી નોટના કચરામાંથી બનેલાં બોર્ડ જરૂરી ટેક્નિકલ ધોરણોને પૂરાં કરે છે.

શા માટે ઇકો-ફ્રેન્ડ્લી નિકાલ?

બૅન્કનોટમાં શાહી, રેસા, સુરક્ષા થ્રેડ અને કેમિકલ હોય છે. આના કારણે ટકાઉ રીસાઇક્લિંગ આવશ્યક છે. નોટોના કેમિકલ ઘટકો અને સુરક્ષા થ્રેડની માટી પર અસર થઈ શકે છે.

reserve bank of india national news news indian government environment world environment day