14 April, 2025 07:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મીડિયાને સંબોધન કરતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રા.
દેશમાં બૅન્કિંગ સિસ્ટમ વધુ સારી બનાવવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અવારનવાર પગલાં લઈ રહી છે. હાલમાં બૅન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે ફરી એક વખત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિઝર્વ બૅન્કે શુક્રવારે જણાવ્યું હતું કે એ ૧૭ એપ્રિલે વિવિધ પાકતી મુદતની સરકારી સિક્યૉરિટીઝ ખરીદશે, જેની કુલ કિંમત ૪૦,૦૦૦ કરોડ રૂપિયા છે. બૅન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાના ઉદ્દેશ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં રિઝર્વ બૅન્ક દ્વારા સિક્યૉરિટીઝની આ ત્રીજી ઓપન માર્કેટ ખરીદી હશે. ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની પહેલી ખરીદી ૩ એપ્રિલે કરવામાં આવી હતી, જ્યારે એટલી જ રકમની બીજી ખરીદી ૮ એપ્રિલે કરવામાં આવી હતી.
સત્તાવાર આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધીમાં રિઝર્વ બૅન્કે બૅન્કિંગ સિસ્ટમમાં લગભગ ૭ લાખ કરોડ રૂપિયા ઠાલવ્યા છે.