16 August, 2025 07:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેરાત કરી છે કે ચોથી ઑક્ટોબરથી ચેક-ક્લિયરિંગની પ્રોસેસ વધુ ઝડપી બનશે. બૅન્કમાં ચેક જમા કરાવ્યાના કલાકોમાં ક્લિયર કરી આપવામાં આવશે. અત્યારે ચેક ક્લિયર કરવા માટે બે દિવસ સુધીનો સમય લાગે છે.
બૅન્કમાં ચેક જમા કરાવ્યા પછી સ્કૅન કરવાની, રજૂ કરવાની અને પાસ કરવાની તમામ પ્રક્રિયા એ જ દિવસે કલાકોમાં પૂરી થઈ જશે. આ પ્રક્રિયા બૅન્ક ચાલુ હશે એ કલાકો દરમ્યાન સતત ચાલુ રહશે. ચેક પાસ કરવાની અત્યારની પ્રક્રિયામાં ચેકનું બૅચ-ક્લિયરિંગ થાય છે એટલે કે ચેક જથ્થામાં પાસ કરવામાં આવે છે. એના સ્થાને RBIએ સર્ક્યુલર જાહેર કરીને તમામ બૅન્કોને એવું જણાવ્યું છે કે ચેક પાસ કરવા માટે બૅચ-ક્લિયરિંગને બદલે એ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવે. સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ચેક પ્રોસેસ કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલી આપવામાં આવશે. આ પરિવર્તનને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પહેલો તબક્કો ૪ ઑક્ટોબરથી અને બીજો તબક્કો ૩ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થશે.