22 February, 2025 02:57 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી આકૅશમાં વિવિધ ગ્રહો નરી આંખે દેખાઈ રહ્યા છે ત્યારે મહાકુંભના સમાપન સમયે પણ ભારતમાંથી સાત ગ્રહો એક સીધી લાઇનમાં જોવા મળશે. જાન્યુઆરી મહિનામાં શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહ દેખાવા લાગ્યા હતા. ૨૬ ફેબ્રુઆરીએ મહાકુંભમાં સ્નાનનો છેલ્લો દિવસ છે ત્યારે પણ સૂર્યમંડળના સાત ગ્રહો એકસાથે ભારતભરમાં જોવા મળશે. આ અદ્ભુત નઝારો બની રહેશે. સૂર્યમંડળના સાતેય ગ્રહ બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન રાતના સમયે જોવા મળશે. આ તમામ ગ્રહો આકૅશમાં દેખાશે એ મહાકુંભના આયોજન અને આ વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમાગમને અનોખું મહત્ત્વ પ્રદાન કરે છે.
કેટલાક લોકોનું કહેવું છે કે આ બ્રહ્માંડીય ઘટના તમારી આધ્યાત્મિક ઊર્જાને વધારી શકે છે. આ ગ્રહો દેખાતા હોવાની શરૂઆત જાન્યુઆરીમાં મહાકુંભના પ્રારંભ સાથે છ ગ્રહ સાથે થઈ હતી અને સમાપન સમયે સાતેય ગ્રહ જોવા મળશે.
૨૮ ફેબ્રુઆરીએ સાંજે સૂર્યાસ્ત સમયે બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ નરી આંખે દેખાશે. યુરેનસ અને નેપ્ચ્યુન ધૂંધળા દેખાતા હોવાથી દૂરબીન કે ટેલિસ્કોપની જરૂર પડશે. સૌથી સારો નઝારો ગોધૂલિ ટાણે જોવા મળશે. ત્યાર બાદ ઑગસ્ટ ૨૦૨૫માં પણ સવારના આકૅશમાં છ ગ્રહો જોવા મળશે. જોકે યુરેનસ અને નેપ્ચ્યુનને જોવા માટે ટેલિસ્કોપની જરૂર પડશે.