૨૦ કલાકની પૂછપરછ બાદ યશ બૅન્કના રાણા કપૂરની ધરપકડ

09 March, 2020 07:57 AM IST  |  Mumbai Desk

૨૦ કલાકની પૂછપરછ બાદ યશ બૅન્કના રાણા કપૂરની ધરપકડ

મની લૉન્ડરિંગના આરોપમાં ઇડીએ કરેલી ધરપકડ બાદ રાણા કપુરને કોર્ટમાં લઈ જવાયા હતા. તસવીર : પી.ટી.આઇ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ રવિવારે સવારે દીવાન હાઉસિંગ ફાઇનૅન્સ કૉર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ) સાથે સંલગ્ન મની લૉન્ડરિંગ કેસમાં નાણાકીય સંકટથી ઝઝૂમી રહેલી યસ બૅન્કના ફાઉન્ડર રાણા કપૂરની ધરપકડ કરી લીધી છે. ઈડીના અધિકારીઓએ રાણા કપૂરની લગભગ ૨૦ ક્લાક સુધી પૂછપરછ કરી હતી. તેઓ પૂછપરછમાં સહયોગ આપી રહ્યા ન હતા બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ રાણા કપૂરને સવારે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ કોર્ટ એટલે કે પીએમએલએ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૧૧ માર્ચ સુધીની ઈડીની કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
ઈડીએ શનિવારે રાણા કપૂરના વરલીસ્થિત સમુદ્ર મહેલ નિવાસસ્થાન પર તેની તપાસ ચાલુ રાખી હતી. ઈડી તપાસ કરી રહી છે કે યસ બૅન્કના પ્રમોટર રાણા કપૂર અને તેની બે પુત્રીની ડમી કંપની અર્બન બૅન્ક વેન્ચર્સને કૌભાંડકારો પાસેથી ૬૦૦ કરોડ રૂપિયા મળ્યા છે.
ભ્રષ્ટાચારમાં સામેલ ડીએચએફએલ દ્વારા બૅન્ક દ્વારા આપવામાં આવેલા ૪૪૫૦ કરોડ રૂપિયામાં કંપનીને નાણાં આપ્યાં હતાં જેની તપાસ ચાલી રહી છે. ઈડી અધિકારીઓએ કહ્યું કે યસ બૅન્કે ડીએચએફએલને ૩૭૫૦ કરોડ રૂપિયા અને ડીએચએફએલ દ્વારા નિયંત્રિત ફર્મ આરકેડબ્લ્યુ ડેવલપર્સને ૭૫૦ કરોડ રૂપિયાની લોન આપી હતી.
અધિકારીઓના કહેવા પ્રમાણે આ બન્ને કંપનીઓએ લોન ભરપાઈ ન કરી ત્યારે યસ બૅન્કે કાર્યવાહી શરૂ કરી ન હતી. કપૂર અને તેની બે પુત્રીઓ પર શંકા છે કે જે ડોઇટ અર્બન વેન્ચર્સના ડિરેક્ટર છે, તેઓએ કાર્યવાહી ન કરવા બદલ ડીએચએફએલ પાસેથી પૈસા લીધા હોવાના આક્ષેપ કર્યા છે.
ઈડીને આશંકા છે કે ૪૫૦૦ કરોડની આ રકમ ડીએચએફએલ દ્વારા ૭૯ ડમી કંપનીઓને અપાયેલ ૧૩,૦૦૦ કરોડ રૂપિયા આ કંપનીઓમાં અર્બન વેન્ચર્સ પણ સામેલ છે.
મોડી સાંજે ઈડીના અધિકારીઓએ રાણા કપૂરની પૂછપરછ શરૂ કરી હતી અને સવાર સુધી પૂછપરછ ચાલુ રાખી હતી અને શનિવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ તેને વધુ તપાસ માટે બૅલાર્ડ એસ્ટેટની એજન્સીની પ્રાદેશિક ઑફિસમાં લઈ ગયા હતા. આ પછી સવારે ૩ વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઈડીના અધિકારીઓએ તેની પુત્રીની મુંબઈ અને દિલ્હી અને પ્રભાદેવીમાં યસ બૅન્કના મુખ્ય મથકની પણ તપાસ કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુત્રીઓનાં નિવેદનો નોંધવામાં આવશે અને કપૂર પરિવારના આર્થિક વ્યવહારની પણ તપાસ કરવામાં આવશે.

રાણા કપૂરની દીકરીને ઍરપોર્ટ પર રોકlવામાં આવી
યસ બૅન્કના કો-ફાઉન્ડર રાણા કપૂરની દીકરી રોશની કપૂરને મુંબઈ ઍરપોર્ટ પર રોકવામાં આવી હતી. યસ બૅન્ક મામલે રાણા કપૂરના પરિવાર પર તપાસ એજન્સી કાર્યવાહી કરી રહી છે ત્યારે રોશની કપૂરને લંડનની ફ્લાઇટ પકડતાં પહેલાં જ ઍરપોર્ટ પર રોકવામાં આવી હતી. તે બ્રિટિશ ઍરવેઝથી લંડન જઈ રહી હતી. આ અગાઉ કપૂરનાં પત્ની બિન્દુ કપૂર, દીકરીઓ રાખી કપૂર ટંડન, રાધા કપૂરને પણ લુક આઉટ નોટિસ ફટકારવામાં આ‍વી હતી. ટૂંકમાં આમનો પરિવાર હવે પરવાનગી વગર ભારત છોડીને જઈ શકશે નહીં.

યસ બૅન્કના ખાતાધારકો અન્ય બૅન્કનાં એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે
સંકટમાં ફસાયેલી યસ બૅન્કના ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે તેઓ રૂપિયા ઉપાડવા માટે પોતાના એટીએમ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. ખાસ વાત એ છે કે પહેલાંની જેમ યસ બૅન્કના ગ્રાહકો કાર્ડથી યસ બૅન્કની સાથોસાથ બીજાં એટીએમમાંથી પણ રૂપિયા ઉપાડી શકે છે.
ગુરુવાર મોડી રાત્રે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બૅન્કની તમામ સર્વિસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તમામ ઑનલાઇન સર્વિસ સસ્પેન્ડ કરી દીધી હતી જેથી દેશભરમાં બૅન્કોની બહાર લોકોની લાંબી લાઇનો લાગી ગઈ હતી,
પરંતુ હવે એટીએમથી રૂપિયા ઉપાડી શકાય છે. હાલમાં ગ્રાહકોને એક મહિનાની અંદર માત્ર ૫૦,૦૦૦ રૂપિયા ઉપાડવાની મંજૂરી છે.

national news