રામપાલ જે દૂધથી સ્નાન કરતા હતા એમાંથી બનતો હતો ખીરનો પ્રસાદ

21 November, 2014 06:19 AM IST  | 

રામપાલ જે દૂધથી સ્નાન કરતા હતા એમાંથી બનતો હતો ખીરનો પ્રસાદ



બાબાના ખોટા ગૌરવગાનમાં ફસાયેલા લોકોએ જણાવ્યું હતું કે રામપાલ જે દૂધથી સ્નાન કરતા હતા એ દૂધમાંથી ખીર બનાવવામાં આવતી હતી અને એ પ્રસાદસ્વરૂપે તેમના અનુયાયીઓને આપવામાં આવતી હતી. આ ખીર ખાધા બાદ ચમત્કારની આશા વધી જતી હોવાનું રામપાલના ભક્તો માનતા હતા.

રામપાલ જે દૂધથી સ્નાન કરતા હતા એ દૂધ રસોડાની અંદરની એક પાઇપમાંથી આવતું હતું. રામપાલ ધ્યાનમાં બેસે ત્યારે તેમને દૂધથી નવડાવવામાં આવતા હતા. એટલે રામપાલના ધ્યાનની શક્તિ એ દૂધમાં ભળતી હોવાનું તેમના ભક્તો માનતા હતા. ભક્તો એમાંથી બનેલી ખીર હોંશે-હોંશે ખાતા હતા.

રામપાલનો આશ્રમ વ્યભિચારનો અડ્ડો?


લગભગ ૩૪ કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ હરિયાણા પોલીસે જાતે બની બેઠેલા સંત રામપાલના ૧૨ એકર જમીનમાં ફેલાયેલા સતલોક આશ્રમમાં બુધવારે રાત્રે પ્રવેશ કર્યો હતો. ૬૩ વર્ષની વયના રામપાલની ધરપકડ બાદ આશ્રમની તલાશી લીધી ત્યારે પોલીસ ચકિત થઈ ગઈ હતી. આશ્રમમાંથી કૉન્ડોમ, નશીલી દવાઓ, લોકોને બેહોશ કરવા સમર્થ ગૅસ અને લેડીઝ ટૉઇલેટ્સમાંથી છૂપા કૅમેરા મળી આવ્યાં હતાં. આ ઉપરાંત અfલીલ સાહિત્ય અને મોટા પ્રમાણમાં વાંધાજનક સામગ્રી પણ મળી આવી હતી.


પોલીસે આશ્રમના મેઇન ગેટ પાસે આવેલા લેડીઝ ટૉઇલેટની તલાશી લીધી હતી. એ ટૉઇલેટ્સમાં અંદરની બાજુએ કૅમેરા લગાવવામાં આવ્યા હતા. ટૉઇલેટ્સમાંથી કૉન્ડોમ્સ પણ મળ્યાં હતાં. આશ્રમમાં ગૅસની ગંધ આવતી હતી. ડૉક્ટરોએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે એ નાઇટ્રોજન ગૅસની ગંધ હતી.

મહિલાઓ પર બળાત્કાર

બુધવારે રાત્રે આશ્રમની બહાર નીકળેલી કેટલીક મહિલાઓએ અનેક આક્ષેપો કર્યા હતા. રામપાલના અંગત કમાન્ડોએ આ મહિલાઓને બંધક બનાવીને તેમના પર અનેક વાર બળાત્કાર કર્યા હતા. આ મહિલાઓને આશ્રમમાં એવા સ્થળે રાખવામાં આવી હતી કે જ્યાંથી ચીસોનો અવાજ કોઈ સાંભળી ન શકે.

જુડિશ્યલ કસ્ટડી

સતલોક આશ્રમમાંથી મોટા પ્રમાણમાં શસ્ત્રો મળવાના અને અદાલતની અવજ્ઞાના આરોપસર રામપાલને ૨૮ નવેમ્બર સુધી જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ ગઈ કાલે આપવામાં આવ્યો હતો. રામપાલને ૨૦૦૬ના હત્યાના એક કેસમાં આપવામાં આવેલા જામીન પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે ગઈ કાલે રદ કર્યા હતા.

૪૫૯ લોકોની ધરપકડ

હરિયાણાના પોલીસ ચીફ એસ. એન. વશિષ્ઠે ગઈ કાલે જણાવ્યું હતું કે રામપાલ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ ૪૫૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના ૧૧૮ લોકોની અને હરિયાણાના ૧૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં રામપાલના ભાઈ પુરુષોત્તમ દાસ, જગદીશ ઢાકા, આશ્રમના પ્રવક્તા રાજ કપૂર અને બબીતા નામની એક મહિલાનો પણ સમાવેશ છે. બબીતા પાસેથી લૅપટૉપ, હાર્ડ-ડિસ્ક, મોબાઇલ ફોન અને કૉમ્પૅક્ટ ડિસ્ક સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

અદાલતમાં શાંત


રામપાલને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ક્રીમ કલરના ફુલ સ્લીવનું સ્વેટર પહેર્યું હતું અને તેમના ખભા પર શાલ રાખેલી હતી. એક કલાક સુધી ચાલેલી અદાલતી કાર્યવાહી દરમિયાન રામપાલ વિટનેસ બૉક્સમાં એકદમ શાંત ચિત્તે ઊભા રહ્યા હતા.

ખાસ ટુકડી કરશે તપાસ

હરિયાણા પોલીસે રામપાલ પર હત્યા અને હિંસાના નવા આરોપો પણ લગાવ્યા હતા. રામપાલ સામેના તમામ આરોપોની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવાની જાહેરાત પણ પોલીસે કરી હતી.

મેં કંઈ નથી કર્યું

બીમાર હોવાનું બહાનું દેખાડીને પખવાડિયા સુધી અદાલતને હાથતાળી આપતા રહેલા રામપાલે પંચકૂલા હૉસ્પિટલની બહાર નીકળતી વખતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મારા પર મૂકવામાં આવેલા બધા આરોપો ખોટા છે. મેં કંઈ નથી કર્યું.’

રામપાલ સાજા-સારા

૨૨૦ કિલોમીટરનો પ્રવાસ કરાવીને રામપાલને આરોગ્યની ચકાસણી માટે પંચકૂલાની જનરલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તબીબોએ જણાવ્યું હતું કે રામપાલની હાલત એકદમ સ્થિર છે. તેમની તબિયતમાં કોઈ વાંધો નથી.

રામપાલને નક્સલવાદીઓ સાથે સંબંધ?


હરિયાણા પોલીસની વાત સાચી હોય તો રામપાલના ટેકેદારોએ પેટ્રોલ-બૉમ્બ બનાવવાની અને હથિયારના ઉપયોગની તાલીમ નક્સલવાદીઓ પાસેથી લીધી હતી. હરિયાણા પોલીસે આ વર્ષે ઑગસ્ટમાં મહાવીર સકલાણી નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. મહાવીર સકલાણી માઓવાદી સંગઠનનો એરિયા કમાન્ડર હતો અને રામપાલના આશ્રમમાં રહેતો હતો. આશ્રમને કિલ્લો બનાવવામાં અને રામપાલના ટેકેદારોને તાલીમ આપવામાં મહાવીર સકલાણીએ મદદ કરી હોવાનું પોલીસ માને છે.