રામ હતા ખરાબ પતિ : જેઠમલાણી

09 November, 2012 02:50 AM IST  | 

રામ હતા ખરાબ પતિ : જેઠમલાણી



બીજેપી માટે પીઢ વકીલ રામ જેઠમલાણી માથાનો દુખાવો બની ગયા છે. ગઈ કાલે તેમણે વધુ એક વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપતાં ભગવાન શ્રીરામને ખરાબ પતિ ગણાવી દીધા હતા. રામ મંદિરને હિન્દુત્વનો એજન્ડા બનાવનાર પાર્ટીના જ એક નેતાએ રામની ટીકા કરતાં બીજેપી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી. ગઈ કાલે નવી દિલ્હીમાં સ્ત્રી-પુરુષ સંબંધો પરના એક પુસ્તકના વિમોચન પ્રસંગે બોલતાં જેઠમલાણીએ કહ્યું હતું કે ‘રામ ખરાબ પતિ હતા, મને તે ક્યારેય ગમ્યા નથી. માત્ર કેટલાક ગરીબ માછીમારોના કહેવાથી તેમણે પત્નીનો ત્યાગ કર્યો હતો.’

માત્ર એટલું જ નહીં, જેઠમલાણીએ લક્ષ્મણની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે લક્ષ્મણ તો રામ કરતાં પણ ખરાબ હતા. તેમણે કહ્યું હતું કે ‘જ્યારે સીતાનું અપહરણ થયું ત્યારે રામે લક્ષ્મણને તેમને શોધી કાઢવાનો આદેશ આપ્યો હતો. જોકે લક્ષ્મણે સીતાનો ચહેરો ક્યારેય જોયો નહીં હોવાથી ઇનકાર કરી દીધો હતો.’ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રામ જેઠમલાણીએ એવું કહીને વિવાદ સરજ્યો હતો કે આજના જમાનામાં ધર્મ બદલાઈ ગયો છે, ધર્મ હવે માત્ર આતંકવાદીઓ જ પેદા કરે છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી