બહુમતી મળી ગઈ, હવે તો બનાવો રામ મંદિર

24 October, 2014 06:26 AM IST  | 

બહુમતી મળી ગઈ, હવે તો બનાવો રામ મંદિર



વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સમક્ષ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માગણી બુધવારે રાત્રે ફરી એક વાર કરી હતી. રામ મંદિરના નિર્માણમાં સહકાર આપવાનો આગ્રહ તેમણે દેશના મુસ્લિમ સમાજને પણ કર્યો હતો.

અલાહાબાદમાં પત્રકારો સાથે વાત કરતાં સિંઘલે એમ પણ કહ્યું હતું કે ‘રામ મંદિરનું નિર્માણ ઇસ્લામની વિરુદ્ધ નથી. અયોધ્યા, કાશી અને મથુરા પરના પોતાના દાવા પાછા લઈને ભારતીય મુસલમાનો શાંતિપૂર્વક રહેશે તો હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે મધુર સંબંધનો એક સ્થાયી ભાવ પણ સર્જાશે.’

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ મિલેનિયમ પર્વ વખતે અમેરિકામાં ભારતીય સંતોને ખાતરી આપી હતી કે ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં બહુમતી મળશે ત્યારે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. તેથી મોદી સરકારે આ દિશામાં ગંભીરતાથી સક્રિય થવું જોઈએ એવો આગ્રહ સિંઘલે કર્યો હતો.

મંદિરના નિર્માણ માટે કાયદો બનાવવાની તરફેણ કરતાં સિંઘલે કહ્યું હતું કે આ માટે બાબરી ઍક્શન કમિટી સાથે વાત કરીને સહમતી સાધવી જોઈએ. હિન્દુ સમાજ દુનિયામાં સ્વાભિમાન સાથે રહે એ જ વિશ્વ હિન્દુ પરિષદનું લક્ષ્ય છે. નરેન્દ્ર મોદીની ઓળખ પણ જગતમાં સ્વાભિમાની હિન્દુ તરીકે થવી જોઈએ એવું પણ સિંઘલે જણાવ્યું હતું.                               

VHPએ દિવાળીના દિવસે જ દેવી-દેવતાના ફોટોગ્રાફવાળા ફટાકડાનો વિરોધ કર્યો

આમ તો હવે ફટાકડાનું પ્રમાણ હવે ઘટતું જાય છે અને દિવાળીના એક દિવસે એના વેચાણમાં ઉછાળો આવે છે, પણ ગઈ કાલે ગુજરાતમાં એ વેચાણને પણ બ્રેક લાગી ગઈ અને વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુ દેવી-દેવતાના ફોટોગ્રાફવાળા ફટાકડા જપ્ત કરવાનું શરૂ કરતાં ફટાકડાના વેપારીઓએ વેપાર કરવાને બદલે ફટાકડા સંતાડવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. લક્ષ્મીછાપ ટેટા તો જાણીતા છે જ, પણ આ વર્ષે માર્કેટમાં બીજા ફટાકડા પર પણ ભગવાનનાં પોસ્ટર હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરો સવારથી જ અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત જેવાં ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોનાં બજારમાં નીકળી ગયા હતા અને તેમણે દેવી-દેવતાના ફોટોગ્રાફ હોય એવા ફટાકડા જપ્ત કરવાનું શરૂ કર્યું હતું. વાત જેવી બજારમાં ફેલાય કે વેપારીઓએ પણ એવા ફટાકડા સંતાડવાની દોડધામ શરૂ કરી દીધી હતી. પરિણામે આખો દિવસ કાર્યકરો અને વેપારીઓ વચ્ચે આ જ પ્રકારની રમત ચાલી હતી અને વેપારીઓનો સમય એમાં બગડ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના રાજકોટ શહેરના સેક્રેટરી કિશનભાઈ પુરોહિતે કહ્યું હતું કે ‘હિન્દુઓના તહેવારમાં આપણાં જ દેવી-દેવતાને સળગાવવાનું આ કામ બંધ થવું જોઈએ. અમે બે દિવસ પહેલાં બધાને વિનંતી સાથે એવા ફટાકડા ન વેચવા માટે કહ્યું હતું, પણ કોઈએ દરકાર કરી નહીં. એટલે અમારે નાછૂટકે આ કરવું પડ્યું છે.’

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જ્યારે માર્કેટમાંથી આવા ફટાકડા એકત્રિત કરી રહ્યા હતા ત્યારે કોઈને ફોટોગ્રાફ પણ પાડવા નહોતા દેતા.