રામ જેઠમલાણીને બીજેપીએ આપી શો-કૉઝ નોટિસ

27 November, 2012 03:11 AM IST  | 

રામ જેઠમલાણીને બીજેપીએ આપી શો-કૉઝ નોટિસ



સિનિયર વકીલ અને રાજ્યસભાના સંસદસભ્ય રામ જેઠમલાણીને રવિવારે પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કર્યા બાદ ગઈ કાલે મળેલી બીજેપીના સંસદીય બોર્ડની બેઠકમાં પાર્ટી પ્રમુખ નીતિન ગડકરીના નિર્ણયને માન્ય રાખવામાં આવ્યો હતો. ર્બોડે જેઠમલાણીને શો-કૉઝ નોટિસ આપી હતી, જેમાં તેમને કેમ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં ન આવે એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. બીજેપીના મહામંત્રી અનંતકુમારે ગઈ કાલે કહ્યું હતું કે સંસદીય બોર્ડની બેઠકમાં યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાએ ગડકરી વિરુદ્ધ કરેલાં નિવેદનો કોઈ ચર્ચા થઈ ન હતી.

બીજેપીના આ બન્ને નેતાઓએ પણ જાહેરમાં ગડકરીના રાજીનામાની માગણી કરી હતી. તેમણે જેઠમલાણીને પણ ટેકો આપ્યો હતો. બીજેપીમાં માત્ર સંસદીય બોર્ડને જ પાર્ટીના સંસદસભ્ય કે ધારાસભ્યની હકાલપટ્ટી કરવાની સત્તા છે. અગાઉ ૨૦૦૯માં જસવંત સિંહ લોકસભાના સભ્ય હતા ત્યારે તેમને શો-કૉઝ નોટિસ આપ્યા વિના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જસવંત સિંહે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાનાં વખાણ કર્યા હતાં અને સરદાર પટેલ તથા નેહરુને ભારતના ભાગલા માટે જવાબદાર ગણાવ્યા હતા.