રાજ્યસભામાં નાગરિક સુધારા બિલ (CAB) 125 મત સાથે પાસ : વિરોધમાં 105 મત

11 December, 2019 10:29 PM IST  |  New Delhi

રાજ્યસભામાં નાગરિક સુધારા બિલ (CAB) 125 મત સાથે પાસ : વિરોધમાં 105 મત

રાજ્યસભા (PC : Jagran)

આખરે મહત્વાકાંક્ષી નાગરિક સુધારા વિધેયક (Citizenship amendment bill) લોકસભામાં પસાર થયા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર કરાવવામાં સરકારને સફળતા મળી હતી. આમ મોદી સરકારને મહત્વપૂર્ણ સફળતા મળી છે. બુધવારે બપોરે 12 વાગ્યે રાજ્યસભાના મંચ પર વિધેયક મૂકાયા બાદ વિપક્ષોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને વિધેયકમાં વિવિધ સુધારાઓ સૂચવી તેને સુધારા સમિતિ સમક્ષ મૂકવાની દરખાસ્ત કરી હતી. દિવસના અંતે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી નેતાઓએ કરેલા વિધાનો, સવાલોનો ચોટદાર જવાબ વાળ્યો હતો. એ પછી થયેલા મતદાનમાં નાગરિકતા સુધારા વિધેયક 125 vs 105 મતે પસાર થયું હતું. હવે કાનૂન બની ચૂકેલી આ જોગવાઈને અદાલત સમક્ષ પડકારવાનો એકમાત્ર વિકલ્પ વિપક્ષો પાસે ઉપ્લબ્ધ છે.




રાજ્યસભામાં સાંજે ગૃહમંત્રી અમિત શાહ બિલને લઇને જવાબો આપ્યા હતા. જેમાં તેણે રાજ્યસભામાં કહ્યું કે ગૃહમાં ઐતિહાસિક બિલ લઇને આવ્યો છું. જેનાથી કરોડો લોકોને ફાયદો થશે. અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે જ્યારે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશીઓને નાગરિકતા આપી ત્યારે અને યુગાન્ડાથી આવેલા લોકોને નાગરિકતા આપી ત્યારે અમે સવાલો નથી કર્યા. તો આ રીતે અમારા બિલ પર પણ શંકા ન કરવી જોઇએ. તો વધુમાં કહ્યું કે જો વિભાજન ન થયું હોત તો બિલ લાવવું પડ્યું ન હોત. તો બીજી તરફ તેમણે મુસ્લિમોને લઇને કહ્યું કે જો કોઇ ખાસ કારણના લીધે મુસ્લિમને નાગરિકતા જોઇએ તો તેની પણ જોગવાઇ છે. અમારી સરકારે 566 મુસ્લિમોને પણ નાગરિકતા આપી છે.


જાણો, સંસદની અપડેટ્સ
- BJP સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ અને NRC અંગે કોંગ્રેસ મુંઝવણમાં છે. કોંગ્રેસ સાંસદોએ ગૃહને ગેરમાર્ગે દોર્યું છે. આ બિલ માટે સરકાર શુભેચ્છા પાત્ર છે. તેમણે 2003માં આપેલા મનમોહન સિંહના નિવેદનને યાદ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશની લઘુમતી કોમને નાગરિકતા આપવા માટે આપણે ઉદાર બનવું જોઈએ.

- JDSએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો છે. પાર્ટીના સાંસદ ડી. કુપેન્દ્ર રેડ્ડીએ કહ્યું કે, આ બિલ આપણી ધર્મનિરપેક્ષતા નીતિને નબળું કરી દેશે. હું આ બિલનો સખત વિરોધ કરું છું. મારું સૂચન છે કે બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે.

- AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે આ બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણની વિરુદ્ધ છે. આ મહાત્મા ગાંધીના સપનાઓ વિરુદ્ધ છે. અમે આ બિલનો વિરોધ કરીએ છે. તમને ગુજરાંવાલામાં રહેનારા હિન્દુઓની ચિંતા છે પણ ગુજરાતમાં પૂર્વાચલ અને બિહારમાં જે લોકો સાથે મારઝુડ કરાઈ હતી તેમના વિશે તમે કંઈ ન બોલ્યા. આ ગૃહમાં તમે જણાવો. તમે NRC લાગુ કરાવ્યું જેમાં 19 લાખ લોકોને બહાર ખદેડવામાં આવ્યા. જેમાંથી લાખોની સંખ્યામાં યુપી અને બિહારના લોકો છે. જેમનો રેકોર્ડ ના તો યુપીમાં છે ન તો બિહારમાં છે. આ લોકો પોતાના દેશમાં જ વિદેશી જાહેર થઈ ગયા.

- કપિલ સિબ્બલે કહ્યું કે, તમે(સરકાર) આ દેશનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે. અમને 2014થી ખબર છે કે તમારું શું લક્ષ્ય છે. ક્યારેક NRC, ક્યારેક આર્ટિકલ 370, ક્યારેક નાગરિકતા સંશોધન બિલ, તમારું લક્ષ્ય અમને સારી રીતે ખબર છે. તમને લાગે છે કે અમે અથવા દેશના મુસલમાનો તમારાથી ડરીએ છીએ, પણ આવું નથી. અમે તો દેશના બંધારણથી ડરીએ છીએ.

- નાગરિકતા બિલ અંગે મોદી સરકારને રાહત મળતી જોવા મળી રહી છે. બિલમાં વોટિંગ દરમિયાન શિવસેના ગૃહમાંથી વોકઆઉટ કરી શકે છે.

- રાજ્યસભામાં કપિલ સિબ્બલે કહ્યું કે,ભારતનો વિશ્વાસ 2 નેશન થિયરીમાં નથી. સરકાર આજે બે નેશન થિયરી ઠીક નથી. સરકાર આજે બે નેશન થિયરી ઠીક કરવા નથી જઈ રહીય કોંગ્રેસ એક નેશનમાં વિશ્વાસ કરી શકે. તમે બંધારણની નીવને બદલવા જઈ રહ્યા છો. તમે અમારો ઈતિહાસ બદલવા જઈ રહ્યા છો. આ કાળી રાત ક્યારે ખતમ નહીં થાય. તમે કહો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ પણ તમે બધાનો વિશ્વાસ ખોઈ દીધો છે.

- શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, લોકતંત્રનો અલગ અવાજ હોય છે,એવું કહેવાઈ રહ્યું છે કે જે બિલ સાથે નથી તે દેશદ્રોહી છે. આ પાકિસ્તાનની એસેંમ્બલી નથી, જો પાકિસ્તાનની ભાષા પસંદ તો પાકિસ્તાનને ખતમ કરી દો.

- AIADMKએ આ બિલનું સમર્થન કર્યું છે. વિજિલા સત્યાનંદે કહ્યું કે, જયલલિતાએ શ્રીલંકાથી આવેલા તમિલોને બેવડી નાગરિકતા આપવાની વાત કહી હતી, તે શરૂઆતથી જ તેમના હકની લડાઈ લડી રહ્યા છે. આ જ કારણ છે કે અમારી પાર્ટી આ બિલનું સમર્થન કરી રહી છે.

- કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે કહ્યું કે, સરકાર જે બિલ લાવી રહી છે, તે પુરી રીતે ગેર-બંધારણીય છે. આપણી જવાબદારી છે કે આને એ જ પાસે કરે જે સાચું હોય, જો ગેર બંધારણીય બિલને આપણે પાસ કરાવીએ તો ત્યારપછી સુપ્રીમ કોર્ટ જ આ બિલનું ભવિષ્ય નક્કી કરશે. પી.ચિદમ્બરમે કહ્યું કે, મને પુરો વિશ્વાસ છે કે આ બિલ કોર્ટમાં નહીં ટકે. જો કાયદા મંત્રાલયે આ બિલની સલાહ આપી છે તો ગૃહમંત્રીએ કાગળ રાખવા જોઈએ, જેને પણ આ બિલની સલાહ આપી છે તેને સંસદમાં લાવવી જોઈએ. તમે ત્રણયે દેશને જ શા માટે પસંદ કર્યા, બીજાને કેમ છોડી દીધા? તમે 6 ધર્મોને શા માટે પસંદ કર્યા? માત્ર ઈસાઈને જ શા માટે સામેલ કરાયા, ભૂટાનના ઈસાઈ, શ્રીલંકાના હિન્દુઓને કેમ બહાર રાખ્યા.

- રાજ્યસભામાં ડીએમકે અને સીપીઆઈ(એમ)એ આ બિલનો વિરોધ કર્યો છે. સીપીઆઈ(એમ)ના નેતા રંગરાજને કહ્યું કે, શ્રીલંકાથી જે તમિલ માઈગ્રેન્ટ આવ્યા છે તે 35 વર્ષથી નાગરિકતા માટે ભટકી રહ્યા છે, પણ કોઈ તેમના વિશે કંઈ વિચાર્યુ નથી.

- JDU સાસંદ રામચંદ્ર પ્રસાદ સિંહે કહ્યું કે, આ બિલ અંગે અફવાઓ ફેલાવાઈ રહી છે. આ બિલમાં બંધારણનું કે અનુચ્છેદ 14નું કોઈ પણ પ્રકારે ઉલ્લંઘન થયું નથી. JDUએ રાજ્યસભામાં આ બિલનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, આપણો દેશ પ્રજાસત્તાક છે, અહીંના નાગરિકોને સમાન અધિકાર છે. આપણા દેશમાં CJI, રાષ્ટ્રપતિ પણ લઘુમતી સમાજના છે પણ શું પાડોશ દેશમાં આવું થયું છે? અહીં NRCની વાત થઈ રહી છે પણ Cના આગળ D પણ હોય છે, અમારા માટે Dનો મતલબ ડેવલેપમેન્ટ છે.

- સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલીએ કહ્યું કે, જો ગૃહમાં કોઈ વિશેષ સમુદાયનું નામ લેવા અંગે વાંધો હોઈ શકે છે, પણ આ જે બિલ આવ્યું છે એ તેનું ઉલ્લંઘન કરે છે. ભારતનું બંધારણ કોઈ વિશેષ ધર્મ માટે નથી, એવામાં જે કોઈ પણ આ દેશને કોઈ એક ધર્મનો રાષ્ટ્ર બનાવવા માંગે છે તો તેનું ખંડન કરવું જોઈએ.

- કોંગ્રેસ પાર્ટીએ રાજકારણ વિશે નહીં પણ દેશના હિત વિશે વિચારવું જોઈએ. આજે દેશના ઘણા ભાગમાં એવા શરણાર્થીઓ છે. જે અભ્યાસ કરી ચુક્યા છે, પણ નાગરિકતાના કારણે તેમને નોકરી મળતી નથી.

- કોંગ્રેસ તરફથી આનંદ શર્માએ કહ્યું કે, પહેલા અને હાલના બિલમાં ઘણું અંતર છે. સૌની સાથે વાત કરવાનો જે દાવો કરાઈ રહ્યો છે તેમાં હું સહેમત નથી. ઈતિહાસ આને કેવી રીતે જોશે, તેને તો સમય જ બતાવશે. કોંગ્રેસ નેતાએ કહ્યું આ બિલ અંગે આટલી ઉતાવળ શા માટે કરાઈ રહી છે? તેમણે વધુમાં કહ્યું કે, 72 વર્ષમાં આવું પહેલી વખત થયું છે, આ બિલ વિરોધના લાયક જ છે. આ બિલ બંધારણીય, નૈતિક આધારે ખોટું છે. આ બિલ પ્રસ્તાવનાના વિરોધમાં છે. આ બિલ લોકોમાં ભાગલા પડાવનારું છે.

- અમિત શાહે કહ્યું કે, લઘુમતી ધાર્મિક હેરાનગતિના કારણે ભારતમાં આવ્યા છે, તેમણે અહીંયા સુવિધા નથી મળી. પાકિસ્તાનમાં પહેલા 20 ટકા લઘુમતી હતી, પણ આજે 3 ટકા જ બચ્યા છે. આ બિલ દ્વારા હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ , ઈસાઈ, પારસી શરણાર્થીઓને રાહત મળશે.

Rajya Sabha amit shah