સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંહનું સિંગાપોરમાં નિધન

01 August, 2020 05:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંહનું સિંગાપોરમાં નિધન

અમર સિંહ

રાજ્ય સભાના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા અમર સિંહનું 64 વર્ષની ઉંમરે સિંગાપોરમાં નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીથી પિડાતા હતા. તેમજ છેલ્લા છ મહિનાથી સિંગાપોરમાં તેમની સારાવર ચાલી રહી હતી. સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા મુલાયમસિંહ યાદવના અત્યંત વિશ્વાસુ હોવાથી એક સમયે દિલ્હીની રાજનીતિમાં અનોખો દબદબો ધરાવતા હતાં. ફક્ત રાજકારણમાં જ નહીં બૉલીવુડ હસ્તીઓ સાથે પણ તેમના નજીકના સંબંધ હતા. તેઓ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણી સાથે પણ ઘરોબો ધરાવતા હતા

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુબ્રમણ્મ સ્વામીએ આપી શ્રદ્ધાંજલી.

રાજનેતા તરીકે વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા અમરસિંહ કિડનીની બિમારીથી પીડાતા હતા. સિંગાપોર ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી થોડો સમય તેઓ પુનઃ રાજનીતિમાં સક્રિય થયા હતા. પરંતુ ઈન્ફેક્શનને લીધે કિડનીની તકલીફ નવસેરથી શરૂ થયા બાદ તેઓ લાંબા સમયથી પથારીવશ હતા.

અલીગઢમાં જન્મેલા અમર સિંહના પિતાને તાળા બનાવવાનો વ્યવસાય હતો. વ્યવસાય માટે પરિવાર કોલકતા સ્થાયી થયો હતો. મધ્યમવર્ગિય પારીવારિક બેકગ્રાઉન્ડ છતાં ભારે ઊંચી મહત્વાકાંક્ષા ધરાવતા અમર સિંહ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરબહાદુર સિંહના સંપર્કમાં આવ્યા પછી આઝમગઢ નજીક સ્થાયી થયા હતા અને મુલાયમસિંહ યાદવના વિશ્વાસુ તરીકે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય બન્યા હતા. કિડનીની બિમારીને લીધે લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર થઈ ગયેલા અમર સિંહના આખરી દિવસો એકલતાભર્યા હતા. થોડાં મહિનાઓ અગાઉ તેમણે પોતે રજૂ કરેલા વીડિયોમાં તેમની નાદુરસ્તી સ્પષ્ટ જણાઈ આવતી હતી.

અમર સિંહ હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહેતા. એક સમયે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીના નિકટના સાથી માનવામાં આવતા. અભિનેત્રી બિપાશા બસુ સાથેની તેમની કહેવાતી ઓડિયો ક્લિપ્સે ભારે ચર્ચા જગાવી હતી. બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન વિશે અમરસિંહે નારાજગીભર્યા વિધાનો કરવા છતાં અમિતાભ બચ્ચન સિંગાપોર ખાતે તેમની ખબર પૂછવા ગયા હતા. એ પછી અમર સિંહે અગાઉના વિધાનો બદલ અમિતાભની માફી માંગી હતી. પરંતુ એક સમયે એબીસીએલ કંપનીના દેવામાં ફસાયેલ અમિતાભ બચ્ચનને બહાર કાઢવામાં પણ અમર સિંહે ઘણી મદદ કરી હતી આ બાબતનો સ્વીકાર અમિતાભ બચ્ચને જાહેરમાં કર્યો છે.

national news amar singh singapore indian politics samajwadi party