રિપબ્લિક ડે માટેના ટેબ્લોનો વિવાદ થતાં રાજનાથે મમતા અને સ્ટાલિનને પત્ર લખ્યો

19 January, 2022 09:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાજનાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિસ્તૃત ગાઇડલાઇન્સ અનુસાર રિપબ્લિક ડે પરેડ માટે ટેબ્લોની પસંદગીનો નિર્ણય લેવામાં આવ્યો છે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

રિપબ્લિક ડે પરેડ માટે રાજ્યોના ટેબ્લોની પસંદગીના મામલે વિવાદ થયા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિનને પત્ર લખ્યો હતો. આ બન્ને રાજ્યોના પ્રસ્તાવિત ટેબ્લોને રિજેક્ટ કરવાના લીધે સર્જાયેલા રાજકીય વિવાદને ઉકેલવા માટે રાજનાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિસ્તૃત ગાઇડલાઇન્સ અનુસાર રિપબ્લિક ડે પરેડ માટે ટેબ્લોની પસંદગીનો નિર્ણય લેવામાં આવ્યો છે.  
બંગાળનો ટેબ્લો આઝાદીની લડાઈમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝ અને ઇન્ડિયન નૅશનલ આર્મીના યોગદાનને સમર્પિત હતો જ્યારે તામિલનાડુ દ્વારા સબમિટ કરવામાં આવેલી ડિઝાઇનમાં વી. ઓ. ચિદમ્બરનર જેવા અગ્રણી ફ્રિડમ ફાઇટર્સ હતા. 
મમતા બૅનરજીને મોકલેલા પત્રમાં સંરક્ષણ‌ પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારને નેતાજી પ્રત્યે ખૂબ જ સન્માનની લાગણી છે અને તેમની જન્મજયંતી ૨૩ જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હવેથી રિપબ્લિક ડેનું સેલિબ્રેશન તેમની જન્મજયંતીથી શરૂ થશે. 
રાજનાથ સિંહે એમ પણ જણાવ્યું હતું કે આ વર્ષે ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મોકલવામાં આવેલી એન્ટ્રીઝમાંથી ૧૨ ડિઝાઇન પ્રપોઝલ્સને મંજૂરી આપવામાં આવી છે.

national news republic day rajnath singh mamata banerjee bengal