મોદીની મુખ્ય ત્રિપુટીનો પરિચય

31 May, 2019 10:53 AM IST  |  દિલ્હી

મોદીની મુખ્ય ત્રિપુટીનો પરિચય

અમિત શાહ

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ દિવસોથી એમના વિશ્વાસુ અમિત શાહ અત્યંત મુત્સદ્દી અને ધાર્યું પાર પાડવાની ક્ષમતા ધરાવતા વ્યૂહકાર તરીકે પ્રતિષ્ઠા પામ્યા છે. નરેન્દ્ર મોદીનું અમિત શાહને પ્રધાનમંડળમાં સામેલ કરવાનું પગલું બીજેપીના પ્રમુખને સરકારમાં મહત્વની ભૂમિકા સોંપવાની ઉત્સુકતા સૂચવે છે. સરકાર રચાયા પછી સત્તાવાર રીતે રાજનાથ સિંહ વડા પ્રધાન પછી નંબર-ટુ રહેશે, પરંતુ અમિત શાહનું સ્થાન વિશિષ્ટ રહેશે.

નીતિન જયરામ ગડકરી

૬૨ વર્ષના નીતિન જયરામ ગડકરી કેન્દ્ર સરકારની માળખાકીય વિકાસની યોજનાઓ પાર પાડવામાં અને વર્ષોથી અટકી પડેલી યોજનાઓને ફરી કાર્યાન્વિત કરવામાં કુશળ સાબિત થયા છે. ૩.૮૫ લાખ કરોડ રૂપિયાના અટકી પડેલા હાઇવે પ્રોજેક્ટ્સને ફરી પાટે ચડાવીને પાર પાડવાનો યશ નીતિન ગડકરીને પ્રાપ્ત થયો છે. ગંગા નદીના જળ માર્ગમાં માલવાહક જહાજોનો વ્યવહાર શરૂ કરનારા વિદર્ભવીર ગડકરીને ઇસ્ટર્ન પેરીફેરલ એક્સ્પ્રેસ વે, દિલ્હી-મેરઠ એક્સ્પ્રેસ વે તેમ જ ઝોજિલા ટનલ જેવી યોજનાઓની સફળતાનું પણ શ્રેય પ્રાપ્ત થયું છે.

રાજનાથ સિંહ

૨૦૧૪થી ૨૦૧૯ સુધીની ૧૬મી લોકસભાના કાર્યકાળમાં કેન્દ્ર સરકારના ગૃહ પ્રધાન ૬૭ વર્ષીય રાજનાથ સિંહ બીજેપીના એવરગ્રીન નેતા અને સ્વ. અટલ બિહારી વાજપેયી જેવા અજાતશત્રુ ગણાય છે. ગુલામ નબી આઝાદ, મમતા બૅનરજી, મુલાયમ સિંહ યાદવ અને ઉમર અબ્દુલ્લા જેવા વિપક્ષી નેતાઓ સાથે ઉષ્માસભર સંબંધોને કારણે વિરોધ પક્ષો સાથે કોઈ પણ ચર્ચા કે એમની પાસે કોઈ પણ કામ કઢાવવાની બાબતમાં રાજનાથ સંપર્કસૂત્ર બન્યા છે. ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક રહી ચૂકેલા રાજનાથ સિંહ ૨૦૧૩માં બીજેપીના પ્રમુખ હતા ત્યારે લાલકૃષ્ણ અડવાણી જેવા ધુરંધરોના જોરદાર વિરોધ વચ્ચે નરેન્દ્ર મોદીને પક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં એમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. ૨૦૦૦થી ૨૦૦૨ના ગાળામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનના હોદ્દા પર યશસ્વી કામગીરી બજાવવા ઉપરાંત અટલ બિહારી વાજપેયીની સરકારમાં ખેતી અને વાહનવ્યવહાર ખાતાનું પ્રધાનપદ પણ શોભાવી ચૂક્યા છે.

rajnath singh amit shah nitin gadkari national news