ભારત-ચીન મુદ્દે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સ્પષ્ટ વાત કરી

17 September, 2020 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારત-ચીન મુદ્દે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સ્પષ્ટ વાત કરી

ફાઈલ તસવીર

ભારત-ચીનની સીમા ઉપરનો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. એવામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે રાજ્યસભામાં આ બાબતે સ્પષ્ટ વાત કરીને દેશના નાગરિકોને આશ્વાસન આપીને ચીનના વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, ચીને લદ્દાખમાં ભારતની લગભગ 38,000 સ્કે.મીટર જમીન ઉપર અનધિકૃત કબજો કર્યો છે. તેમ જ 1963માં એક તથાકથિત બાઉન્ડ્રી એગ્રિમેન્ટ અંતર્ગત પાકિસ્તાને PoKની 5180 સ્કે.મીટર ભારતીય જમીન ચીનને આપી દીધી છે. ભારત-ચીન સીમા પ્રશ્નનો હજી ઉકેલ આવ્યો નથી. સીમાની કસ્ટમરી અને ટ્રેડિશનલ અલાઈમેન્ટને ચીન નથી માની રહ્યો. વર્તમાન સીમા રેખા ભૌગોલિક સિદ્ધાંતોને આધારે છે. હજી અમૂક વિસ્તારમાં લાઈન ઑફ કંટ્રોલ (LAC) નથી અને આ માટે બંને દેશનો મત પણ અલગ છે. તેથી શાંતિ રાખવા માટે બંને દેશ વચ્ચે કરાર અને પ્રોટોકોલ્સ છે.

સંરક્ષણ પ્રધાને ઉમેર્યું કે, 1993 અને 1996ના કરાર મુજબ એલએસીમાં બંને દેશ પોતાના ઓછામાં ઓછા સૈનિકો રાખશે એવી શરત હતી. આમાં એવો પણ ઉલ્લેખ છે કે જ્યાં સુધી સીમાનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી LACને માનવામાં આવે. જોકે ચીન હજી પણ એવુ માને છે કે બાઉન્ડ્રી નક્કી નથી થઈ. 1950-1960ના દાયકામાં પણ વાતચીત થઈ હતી પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો. વર્ષોથી ચીન સીમા ઉપર ઈન્ફ્રાસ્ટ્રકચર વધારતુ હોવાથી આપણી સરકારે પણ બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે બજેટ બે ગણું વધાર્યું છે.

રાજનાથ સિંહે કહ્યું કે, મને ખબર છે કે લદ્દાખમાં પડકારરૂપ પરિસ્થિતિ નિર્માણ થઈ છે પરંતુ દેશના વિર જવાન આ પડકારનો સામનો કરશે. દેશના નાગરિકોને પણ હું આશ્વાસન આપું છું કે આપણા સૈન્યનો જોશ અને હિંમત બુલંદ છે અને કોઈ પણ સંકટનો સામનો કરવા માટે તે તૈયાર છે. 

national news rajnath singh china