05 May, 2025 06:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાજનાથ સિંહ
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ચરમસીમાએ છે ત્યારે આગામી ૯ મેએ રશિયાની રાજધાની મૉસ્કોમાં આયોજિત વિક્ટરી-ડે પરેડમાં કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ હાજરી નહીં આપે. તેમના સ્થાને સંરક્ષણ રાજ્યપ્રધાન સંજય શેઠને રશિયા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા હતા, પરંતુ પાકિસ્તાન સાથે ઊકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થતાં તેમણે વિદેશપ્રવાસ રદ કર્યો હતો. તેમની જગ્યાએ રાજનાથ સિંહને મોકલવાના હતા, પરંતુ હવે તેઓ પણ રશિયા નહીં જાય.
૧૯૪૫ની ૯ મેએ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનીને રશિયાએ હરાવ્યું હતું, એ દિવસે સોવિયત સંઘે પ્રથમ વિજય-દિવસની ઉજવણી કરી હતી. રશિયાનો વિજય-દિવસ એ બીજા વિશ્વ યુદ્ધમાં મૃત્યુ પામેલા એના સૈનિકોના બલિદાનને શ્રદ્ધાંજલિ છે.