31 July, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાજનાથ સિંહ
રાજ્યસભામાં ઑપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા શરૂ કરતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘જો પાકિસ્તાન એની ધરતી પર આતંકવાદ સામે કાર્યવાહી કરી શકતું ન હોય તો ભારત પાડોશી દેશને મદદ કરવા તૈયાર છે, કારણ કે ભારતીય દળો સરહદની બીજી બાજુ પણ આતંકવાદ સામે લડવા સક્ષમ છે. આ ઑપરેશન સિંદૂર દ્વારા સાબિત થયું છે.’
રાજનાથ સિંહે ગૃહને માહિતી આપી હતી કે પહલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા છે. એ માટે તેમણે સુરક્ષા દળોને અભિનંદન પણ આપ્યાં હતાં.
રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘પહલગામ હુમલા પર ભારતનો જવાબ એવા ઑપરેશન સિંદૂરને સ્થગિત કરવામાં આવ્યું છે અને જો પાકિસ્તાન ફરીથી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થાય તો ગમે ત્યારે ફરી શરૂ કરી શકાય છે. ભારત ઇચ્છે છે કે પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં આતંકવાદનો અંત આવે. જો ભવિષ્યમાં પાકિસ્તાન કોઈ આતંકવાદી ઘટના કરે છે તો અમે ખચકાટ વિના ઑપરેશન સિંદૂર ફરીથી શરૂ કરીશું. અમારું વિઝન એ છે કે ઑપરેશન સિંદૂર સતત ચાલુ રહે; અલ્પવિરામ હોઈ શકે છે, પૂર્ણવિરામ નહીં.’