ઈરાન યુદ્ધ દરમિયાન દેખાઈ ભારતીય નૌસેનાની તાકાત, હુમલાઓ વચ્ચે ૧૮ જહાજોને સુરક્ષિત ભારત પહોંચાડ્યા

11 July, 2026 02:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Rajnath Singh highlights Navy`s success in West Asia crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ૧૮ મર્ચન્ટ વેસલને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કરીને બહાર કાઢ્યા; સંરક્ષણ મંત્રીના કાર્યાલય દ્વારા આપવામાં આવી માહિતી

રાજનાથ સિંહની ફાઈલ તસવીર

મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) સંઘર્ષ દરમિયાન દેશના આર્થિક હિતના રક્ષણમાં ભારતીય નૌસેના (Indian Navy)ની મહત્વપૂર્ણ ભૂમિકા પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh)એ પ્રકાશ પાડતા ભારતની દરિયાઈ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. વિશાખાપટ્ટનમ (Visakhapatnam) ખાતે સ્વદેશી સ્ટીલ્થ યુદ્ધજહાજ આઈએનએસ મહેન્દ્રગિરી (INS Mahendragiri)ને નૌસેનામાં સામેલ કરવાના સત્તાવાર કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, નૌસેના દ્વારા `ઓપરેશન ઊર્જા સુરક્ષા` (Operation Urja Suraksha)ના સફળ સંચાલનને કારણે રુપિયા ૯૦૦૦ કરોડથી વધુની કિંમતનો જરૂરી સામાન લઈ જઈ રહેલા વેપારી જહાજો પસાર થવાનો માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત બન્યો હતો. આ ભવ્ય સફળતા વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી નૌકાદળ શક્તિ (Indian Navy) અને વ્યૂહાત્મક સજ્જતાને ફરી એકવાર મજબૂત રીતે સાબિત કરે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે, મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાએ (ઇન્ડિયન નેવી) યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ૧૮ મર્ચન્ટ વેસલ (વેપારી જહાજો)ને અત્યંત સુરક્ષિત રીતે એસ્કોર્ટ કર્યા હતા, જેમાં આશરે રુપિયા ૯,૦૦૦ કરોડની સામગ્રી લાદવામાં આવી હતી.

રક્ષામંત્રીના કાર્યાલય તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર કરવામાં આવેલી પોસ્ટમાં આ માહિતી શેર કરવામાં આવી છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરની ઘટનાઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કોઈપણ દેશ માટે એક સક્ષમ અને જવાબદાર નૌસેના કેટલી અનિવાર્ય છે. વેસ્ટ એશિયા (પશ્ચિમ એશિયા) માં સંઘર્ષ શરૂ થયા બાદ ઇન્ડિયન નેવીએ `ઓપરેશન ઊર્જા સુરક્ષા` ના માધ્યમથી રુપિયા ૯,૦૦૦ કરોડથી વધુની કિંમતના જરૂરી કાર્ગો લઈ જઈ રહેલા ૧૮ વેપારી જહાજોને સુરક્ષિત રીતે રક્ષણ પૂરું પાડીને બહાર કાઢ્યા (Rajnath Singh highlights Navy`s success in West Asia crisis) હતા.

ભારતીય ટેકનોલોજી અને ખાસ કરીને મિસાઈલોનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે, આઈએનએસ મહેન્દ્રગિરી (INS Mahendragiri)માં આપણી બ્રહ્મોસ (BrahMos) સરફેસ-ટુ-સરફેસ (જમીનથી જમીન પર માર કરનારી) મિસાઈલ ફિટ થઈ શકે છે, જે વિશ્વની સૌથી ઝડપી અને સૌથી ઘાતક ક્રૂઝ મિસાઈલોમાંની એક છે. આ યુદ્ધજહાજમાં મલ્ટીફંક્શન રડારની સાથે-સાથે લાંબી રેન્જની સરફેસ-ટુ-એર મિસાઈલનું અદભુત કોમ્બિનેશન છે, જે આકાશમાંથી આવતા કોઈપણ જોખમને દૂરથી જ ઓળખીને તેને હવામાં જ નષ્ટ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. આ ઉપરાંત તેમાં સ્વદેશી રોકેટ લોન્ચર, ટોર્પિડો લોન્ચર, ઇન્ટિગ્રેટેડ એન્ટી-સબમરીન ડિફેન્સ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ અને ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ પણ સામેલ છે. આ તમામ આધુનિક સુવિધાઓ તેને મહેન્દ્રગિરી પર્વતની જેમ જ અભેદ્ય અને મજબૂત બનાવે છે.

શિપ ખરીદવું એ લાંબા ગાળાનું રોકાણ છે: રાજનાથ સિંહ

સત્તાવાર નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે આપણી નૌસેના માત્ર એક લડાયક બળ નથી, પરંતુ ભારતની આર્થિક હિતોની (ઇકોનોમિક ઇન્ટરેસ્ટ) પણ એક મજબૂત રક્ષક બનીને ઉભરી આવી છે. દરેક નવા જહાજના નિર્માણ સાથે આપણી નૌકાદળ પ્રણાલી (ઇકો સિસ્ટમ) વધુ પરિપક્વ, વધુ કાર્યક્ષમ અને વધુ વિશ્વસનીય બની રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં, દરેક નવું યુદ્ધજહાજ ભારતની દરિયાઈ સજ્જતા અને ભવિષ્ય માટે કરવામાં આવેલું એક લાંબા ગાળાનું રોકાણ છે.

સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પર ભાર મૂકતા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આઈએનએસ મહેન્દ્રગિરી (INS Mahendragiri) દેશની તકનીકી પ્રગતિ અને દરિયાઈ શક્તિનું પ્રતીક છે. તેમણે નોંધ્યું હતું કે, આ યુદ્ધજહાજની અદ્યતન હથિયાર પ્રણાલી (કોમ્બેટ સિસ્ટમ્સ), મિસાઈલ ક્ષમતાઓ અને સ્વદેશી ઉપકરણો ભારતીય નૌસેનાની ઓપરેશનલ સજ્જતાને નોંધપાત્ર રીતે મજબૂત કરશે. આ સાથે જ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, દરિયાઈ વેપાર માર્ગો અને ભારતના લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોના રક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાને ફરી એકવાર દોહરાવી હતી.

indian navy rajnath singh asia middle east crisis defence ministry india national news news