હવે આ મહિલાનું કુટુંબ સરકાર પર કેસ કરશે?

27 September, 2011 08:29 PM IST  | 

હવે આ મહિલાનું કુટુંબ સરકાર પર કેસ કરશે?

 

રામલીલા મેદાનમાં બાબા રામદેવ ઍન્ડ કંપની પર પોલીસે કરેલા લાઠીચાર્જમાં ઘવાયેલાં રાજબાલાનું આખરે હૉસ્પિટલમાં મરણ

નવી દિલ્હી : ચોથી જૂને પોલીસે કરેલા દમનમાં કરોડરજ્જુમાં ઈજા પામનાર રાજબાલા ગઈ કાલે સવારે ૧૦.૨૫ કલાકે હાર્ટ-અટૅકને પગલે જી. બી. પંત હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યાં હતાં. દિલ્હી પોલીસે ગ્રાઉન્ડ ખાલી કરાવવા લાઠીચાર્જ અને ટિયરગૅસનો ઉપયોગ કરતાંં ૧૦૦ જણને ઈજા થઈ હતી અને આમાં સૌથી વધારે ઈજા રાજબાળાને થઈ હતી.


રાજબાલાનાં પુત્રવધૂ રાકેશ મલિકે કહ્યું હતું કે તાજેતરના દિવસોમાં મારાં સાસુની તબિયત કથળી હતી. દિલ્હીની નજીકના ગુડગાંવમાં રહેતાં રાકેશ મલિકે પોતાનાં સાસુના મૃત્યુ માટે દિલ્હી પોલીસને જવાબદાર ઠરાવી હતી. રાકેશ મલિકે કહ્યું હતું કે ‘આ મૃત્યુ પોલીસના દમનને લીધે થયું છે. આપણે બધા જાણીએ છીએ કે કોના કહેવાથી પોલીસે આ પગલાં લીધાં હતાં. આખા દેશને શું બન્યું હતું એની ખબર છે. અમારો પરિવાર ભેગો મળીને વહીવટી તંત્ર સામે કેસ કરવો કે નહીં એનો નર્ણિય લેશે. અમે વળતરની રકમના ભૂખ્યા નથી. અમને અમારાં સાસુ જોઈએ છે. શું તેઓ અમને અમારાં સાસુ પાછાં આપી શકે છે? ચાર મહિના વીતી ગયા છે, સરકારે શું કર્યું? અમને સરકારે સહાનુભૂતિના શબ્દો પણ કહ્યા નથી.’


હાલમાં પદયાત્રા કરી રહેલા બાબા રામદેવે રાજબાલાના મૃત્યુ બદલ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘રાજબાળાના મૃત્યુથી આખી સંસ્થા, આંદોલન અને દેશને ન પુરાય એવી ખોટ ગઈ છે. આ એક બલિદાન છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય.’