20 November, 2026 10:58 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાના ભોડકી ગામમાં આવેલી જામવય જ્યોતિ ગૌશાળામાં ૧૦૦ લખપતિ ગાયો છે. ગૌરક્ષકોએ પ્રત્યેક ગાયના નામે ૧ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) બનાવી છે. આનાથી કુલ FD ૧ કરોડ રૂપિયાની થઈ છે અને ગૌશાળાનું બૅન્ક-બૅલૅન્સ પણ ૧ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આ FDમાંથી મળતી વ્યાજની રકમનો ઉપયોગ ગાયોના ઉછેર અને સંભાળના ખર્ચને પૂર્ણ કરવા માટે થાય છે. ગુરુવારે એક વ્યક્તિએ ગાયના નામે ૧ લાખ રૂપિયાની FD કરી હતી. આનાથી આ અભિયાનમાં ભાગ લેતી ગાયોની કુલ સંખ્યા ૧૦૦ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ૧૦૦ ગાયરક્ષકો આ પહેલમાં જોડાયા છે. ૨૦૧૫માં ૨૫ માર્ચે ગ્રામજનોના સહયોગથી શરૂ થયેલી આ ગૌશાળા હવે લગભગ ૮૦ એકર સુધી વિસ્તરી છે. હાલમાં અહીં ૮૯૮ પશુઓ ઉછેરવામાં આવે છે. શરૂઆતથી જ ગ્રામજનો અને દાનવીરોએ ગૌશાળાના વિકાસમાં આર્થિક યોગદાન આપ્યું છે. ગૌશાળા સમિતિના જણાવ્યા અનુસાર જાહેર સહયોગથી ૧૫ કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યાં છે.