11 August, 2025 08:57 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
દીપડાને રાખડી બાંધી રહેલ મહિલા
રક્ષાબંધનના દિવસે રાજસ્થાનમાં એક ચોંકાવનારી ઘટના ઘટી. ગામમાં રહેતી એક મહિલાએ દીપડાને રાખડી બાંધી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં મહિલા કહે છે, ‘હવે આ મારો ભાઈ થયો છે, એની રક્ષા કરજો.’ આ ઘટના રાજસ્થાનના એક અંતરિયાળ ગામની છે જ્યાં છેલ્લા કેટલાક દિવસથી ગામની સીમ પાસે દીપડો જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ દીપડો માણસોને જોઈને જરાય ડરતો નથી. એ ઘણી વાર ગામમાં પણ ઘૂમતો દેખાયો હતો. રાખડીવાળા વિડિયોમાં એક મહિલા એકદમ શાંત ઊભેલા દીપડાની પાસે જ બેસી જાય છે અને હળવેથી રાખડી લઈને એના આગળના પગ પર એ બાંધી દે છે. દીપડો જરાય ડરતો નથી કે નથી માણસને જોઈને હુમલો કરવાની કોશિશ કરતો. રાખડી બાંધનારી મહિલા દીપડાને ભાઈ ગણાવીને એની રક્ષા કરવાની અપીલ કરે છે.
આ ઘટના પહેલી નજરે ખૂબ ભાવુક કરી દે એવી લાગે છે, પરંતુ વનવિભાગનું કહેવું છે કે આ ખૂબ જોખમી ઘટના છે. દીપડા જેવાં જંગલી પ્રાણીઓ ગમે ત્યારે હુમલો કરી શકે એમ છે. આ વિભાગમાં વનવિભાગે કડક નિગરાની શરૂ કરી દીધી છે જેથી ફરીથી માનવવસ્તીમાં આવી પડતા દીપડાને કોઈ નુકસાન પહોંચાડવામાં ન આવે.