Rajasthan: સરકારી સ્કૂલની છત ધસી પડી! ચાર બાળકોનાં મોત, અનેક કાટમાળ નીચે દબાયા

26 July, 2025 06:40 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Online Correspondent

Rajasthan: આજે સવારે એક સરકારી સ્કૂલની છત અચાનકથી ધસી પડી હતી. આ કારણોસર સ્કૂલના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કાટમાળ નીચે ફસાયેલા બાળકોને શોધી અને બહાર કાઢવામાં આવી રહ્યાં છે (તસવીર સૌજન્ય : પીટીઆઈ)

રાજસ્થાન (Rajasthan)ના ઝાલાવાડમાંથી મોટી દુર્ઘટનાના સમાચાર મળી રહ્યાં છે. અહીંયા આજે સવારે એક સરકારી સ્કૂલની છત અચાનકથી ધસી પડી હતી. આ કારણોસર સ્કૂલના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રિપોર્ટ અનુસાર પિપલોડી નામના ગામમાં (Rajasthan) આવેલી સરકારી સ્કૂલમાં સવારે પ્રાર્થના ચાલી રહી હતી તે દરમિયાન અચાનકથી છત ધસી પડી હતી. અનેક વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની શંકા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરી નાખી હતી. છત ધસીને નીચે પડી જવાને કારણે સ્કૂલનું સ્ટ્રક્ચર ધરાશાયી થઇ ગયું હતું. હાલમાં વહીવટીતંત્રે JCB મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે. હજુ પણ અમુક  બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક ડોકટરોની ટીમ દ્વારા બાળકોની સારવાર કરવામાં આવી રહી છે.  ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક બાળકોને સરકારી હોસ્પિટલમાંથી ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજસ્થાન (Rajasthan)ના શિક્ષણ મંત્રી મદન દિલાવરે આ ઘટના બાદ નિવેદન આપ્યું છે કે ઈજાગ્રસ્ત બાળકોની સારવાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

શિક્ષણ પ્રધાન મદન દિલાવરે જણાવ્યું હતું કે, "મેં જિલ્લા અધિકારીઓને યોગ્ય વ્યવસ્થા કરવા અને ઇજાગ્રસ્ત બાળકોની સારવારની દેખરેખ રાખવા અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. આ ઘટનાની તપાસનો આદેશ આપી દીધો છે. શાળાનું આ મકાન કેમ તૂટી પડ્યું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, મેં કલેક્ટર સાથે પણ વાત કરી છે અને અધિકારીઓને પરિસ્થિતિનો તાગ મેળવવા અને શક્ય તેટલી મદદ કરવા નિર્દેશ આપ્યો છે”

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ઈમારત ઓલરેડી જર્જરિત હાલતમાં હતી અને આ સંબંધમાં અગાઉ ઘણી ફરિયાદો પણ કરવામાં આવી હતી. આ શાળામાં ધોરણ 8 સુધીના વર્ગ ચાલતા હતા. અત્યારસુધી આ ગોઝારી ઘટનામાં ચાર બાળકોના મોત થયા છે અને સત્તર બાળકો ઘાયલ થયા છે. દસ બાળકોને ઝાલાવાડ મોકલવામાં આવ્યા છે જેમાંથી ત્રણથી ચારની હાલત ગંભીર છે. સ્થળ પરથી અનેક દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. જીમાં સ્થાનિક રહેવાસીઓ ફસાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના સભ્યોને બચાવવામાં જોતરાયા હોવાનું દેખાઈ રહ્યું છે. હાલમાં કાટમાળને સાફ કરવા માટે ઓછામાં ઓછા ચાર JCB મશીનો પણ સ્થળ પર પહોંચ્યા હતા.

Rajasthan: હાલ ઘટનાસ્થળે કલેક્ટર સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને આપત્તિ રાહત ટીમો પણ બચાવ કામગીરીમાં જોતરાઈ છે. સ્કૂલની બિલ્ડિંગ ધરાશાયી થવાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.

national news rajasthan india Ashok Gehlot