24 September, 2025 03:33 PM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
રાજસ્થાનના ભીલવાડા વિસ્તારમાં જે બન્યું તે ખરેખર ‘માનવતા લુપ્ત થઈ ગઈ છે’ આ વાતને સાચી પાડે છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના બિજોલિયા સબડિવિઝનના માલ કા ખેડા રોડ પર સીતાકુંડના જંગલમાં ફક્ત 10 થી 12 દિવસનું નવજાત બાળક મળી આવ્યું હતું. કોઈ બદમાશે આ નવજાત બાળકને ખડકો નીચે દફનાવી દીધું હતું. જ્યારે બાળકને બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેની હાલત એટલી ખરાબ હતી, એટલી દયનીય હતી કે તેને જોઈને મદદે આવેલા લોકો અને પોલીસના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
ચીસો દબાવવા માટે મોઢામાં પથ્થરો મૂકી હોઠ પર લગાવ્યું ગમ
જંગલમાં નાના બાળકને ખડકોમાં ફેંકી દેનાર વ્યક્તિની ક્રૂરતા એટલી બધી હતી કે બાળકના મોઢામાં ખડકો મૂકી દેવામાં આવ્યા હતા અને તેના હોઠને ફેવિક્વીકથી ચોંટાડી દેવામાં આવ્યા હતા જેથી બાળકનું રડવું, ચીસો અને અવાજ બહાર ન જાય. પરંતુ એવું કહેવાય છે ને કે... રામ રાખે, તેને કોણે ચાખે! તે માસૂમ બાળક સાથે પણ કંઈક આવું જ બન્યું. જ્યારે એક ભરવાડ, તે ખડકો નજીક પોતાના ઢોર ચરાવી રહ્યો હતો જ્યાં બાળકને રાખવામા આવ્યું હતું, તેણે બાળકનો હળવો રડવાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે તરત જ ગામલોકોને જાણ કરી અને સમયસર બાળકનો જીવ બચાવ્યો હતો.
આ અવાજ ખડકોની નીચેથી આવી રહ્યો હતો
મંગળવારે બપોરે, બિજોલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સીતાકુંડ જંગલમાં એક ભરવાડ પોતાના ઢોર ચરાવી રહ્યો હતો. તેણે નજીકના ખડકોમાંથી એક બાળકનો હળવો રડવાનો અવાજ સાંભળ્યો. જ્યારે તે નજીક ગયો, ત્યારે તેણે ખડક નીચે પડેલું એક નવજાત બાળક જોયું. આ જોઈને ભરવાડે નજીકના મંદિરમાં બેઠેલા ગ્રામજનોને આ વાતની જાણ કરી. ગ્રામજનોએ બિજોલિયા પોલીસ સ્ટેશનને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગ્રામજનોની મદદથી નાના બાળકને બહાર કાઢ્યું.
ગરમ પથ્થરથી દાઝી ગયું શરીર
જ્યારે બાળકને બહાર કાઢવામાં આવ્યું, ત્યારે આ સ્થિતિ જોઈને બધા ચોંકી ગયા. કારણ કે બાળકના મોંમાં એક પથ્થર મુકવામાં આવ્યો હતો અને તેનું મોં બંધ કરવામાં આવ્યું હતું અને ઉપરથી ફેવિકિકથી તેને ચોંટાડવામાં આવ્યું હતું. ૧૦૮ ની મદદથી પોલીસે બાળકને બિજોલિયા હૉસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ જ્યારે તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં, ત્યારે તેને ભીલવાડા જિલ્લા હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. બાળકની સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું કે બાળકની સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે, પરંતુ તેના શરીરનો ડાબો ભાગ ગરમ પથ્થરથી દાઝી ગયો હતો. આ અંગે બિજોલિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આવું ભયાનક કૃત્ય કરનારની શોધ શરૂ કરવામાં આવી છે.