રાજસ્થાન: રામકથા દરમ્યાન ભારે વરસાદથી ટેન્ટ તૂટી પડ્યો 14 જણનાં મોત

24 June, 2019 09:03 AM IST  |  રાજસ્થાન

રાજસ્થાન: રામકથા દરમ્યાન ભારે વરસાદથી ટેન્ટ તૂટી પડ્યો 14 જણનાં મોત

રામકથા દરમ્યાન પંડાલ પડી જતાં લોકોની ભીડ વેરવિખેર થઈ હતી અને ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. તસવીર : પી.ટી.આઇ.

રાજસ્થાનના બાડમેરમાં રવિવારે સાંજે રામકથા દરમ્યાન આંધી-વરસાદને કારણે મંડપ પડી ગયો હતો. દુર્ઘટનામાં ૧૪ જણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૫૦થી વધુ ઘાયલ થયા છે. દુર્ઘટના બાલોતરાના જસોલ ગામ પાસે બની છે. રાજ્ય સરકારે રાહત અને બચાવકાર્યનું ધ્યાન રાખવા માટે મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓની એક ટીમ ગઠિત કરી છે.

ડીએમ હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું કે ‘પંડાલમાં ૭૦૦થી વધુ લોકો હાજર હતા, જેમાં મોટા ભાગના વૃદ્ધો હતા. માનવામાં આવે છે કે મોટા ભાગના લોકોનાં મોત મંડપમાં કરન્ટ ફેલાવાથી થયાં છે.’ કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને બાડમેરથી બીજેપીના સાંસદ કૈલાશ ચૌધરી રાંચીની મુલાકાત કૅન્સલ કરી ઘટનાસ્થળે જવા રવાના થયા છે.

દુર્ઘટનાનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં કથાવાચક મુરલીધર લોકોને મંડપ ખાલી કરવાનું કહી રહ્યા છે. જોકે થોડીક સેકન્ડ્સમાં જ આખો મંડપ પડી જાય છે. સ્થાનિક લોકોએ અનેક ઘાયલોને ખાનગી વાહનોમાં હૉસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ પણ વાંચો : મસૂરીમાં ૧૫,૦૦૦ પ્લાસ્ટિકની બૉટલમાંથી બની વૉલ-આર્ટ

આ ઘટના બાદ અશોક ગેહલોતે કહ્યું ‘સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે. સંબંધિત અધિકારીઓને દુર્ઘટનાની તપાસ કરવા, ઘાયલોની સારવાર કરવા અને અસરગ્રસ્તો તથા તેમના પરિવારજનોને સંભવિત તમામ સહાય આપવાના આદેશ આપવામાં આવ્યા છે. વડા પ્રધાન મોદી સહિત ગૃહપ્રધાન અમિત શાહ, વસુંધરા રાજે, મમતા બેનર્જી, ડાૅ. હર્ષવર્ધન અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ ઘટના અંગે દુ:ખ વ્યકત કર્યું છે.

rajasthan national news