બિહારમાં વરસાદી આફત : ૫૦ લાખ લોકો પર પૂરનો તોળાતો ખતરો

13 July, 2020 01:15 PM IST  |  Mumbai Desk | Agencies

બિહારમાં વરસાદી આફત : ૫૦ લાખ લોકો પર પૂરનો તોળાતો ખતરો

પ્રતીકાત્મક તસવીર

નેપાલ તેમ જ ઉત્તર બિહારમાં મુશળધાર વરસાદ પડવાને કારણે બિહારની નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે અને ૧૫ જિલ્લાની ૫૦ લાખથી વધુ વસ્તી પર પૂરનો ખતરો મંડરાયો છે. નેપાલે વીરપુર બેરેજના ૫૬માંથી ૩૬ ગેટ ખોલતાં બિહારમાં નદીઓ ગાંડીતૂર બની છે અને પૂરનું સંકટ ઘેરું બન્યું છે. બીજી તરફ દેશનાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં કેટલાંક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ક્યાંક છુટોછવાયો વરસાદ પડવાના અહેવાલ છે. બાગમતી નદીમાં ઘોડાપૂર આવતાં એ પાંચ સ્થળે ભયજનક સપાટી વટાવીને વહી રહી છે. કોસી, બાગમતી, કમલા લાલબકેયા નદીઓનાં પાણી શહેરો અને ગામોમાં ફરી વળ્યાં છે. હવામાન ખાતાએ બાગમતીના ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી કરી છે. પરિણામે ઉત્તર અને મધ્ય બિહારના ૧૯ જિલ્લાને અલર્ટ કરાયા છે. અહીં પૂરનાં પાણી ફરી વળવાની ભીતિ સર્જાઈ છે. સત્તાવાળાઓ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. રાહત અને બચાવ ટુકડીઓ સજ્જ કરાઈ છે. તમામ જિલ્લા મથકોએ તંત્રને સાબદું કરાયું છે. આગામી ૪૮ કલાકમાં બિહારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા તેમ જ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બિહાર, ઓડિશા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં કેટલાંક સ્થળે હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

national news bihar