ભારત બચાવો રૅલીમાં કૉન્ગ્રેસ દ્વારા બીજેપી અને મોદી-શાહ પર આકરા પ્રહાર

15 December, 2019 11:12 AM IST  |  Mumbai Desk

ભારત બચાવો રૅલીમાં કૉન્ગ્રેસ દ્વારા બીજેપી અને મોદી-શાહ પર આકરા પ્રહાર

દિલ્હીના રામલીલા મેદાન પર ગઈ કાલે આયોજિત ‘ભારત બચાવો રૅલી’ના નેજા હેઠળ કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસના પ્રથમ હરોળના નેતાઓએ બીજેપી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને નિશાન બનાવીને બેરોજગારી, અર્થતંત્ર-મંદી-દુષ્કર્મની ઘટનાઓ અને નાગરિક્તા કાયદાના મામલે આકરા પ્રહાર કરીને દાવો કર્યો હતો કે મોદી અને શાહને કારણે આજે દેશ બરબાદીના આરે છે. પૂર્વોત્તરનાં રાજ્યો સળગી રહ્યાં છે. દેશની અર્થવ્યવસ્થાને મોદીએ જ સત્તાના અહંકારમાં નોટબંધી કરીને નષ્ટ કરી નાખ્યું છે. મોદીના માનીતા ઉદ્યોગપતિઓને સરકારી લેણાં માફ કરીને તેમને જ સરકારી ઠેકાઓ આપવામાં આવી રહ્યા છે.

કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રૅલીમાં કૉન્ગ્રેસના કાર્યકરોને પોરસ ચઢાવતા તેમને બબ્બર શેર અને શેરનિયાં તરીકે ગણાવીને કૉન્ગ્રેસના કાર્યકરો કોઇનાથી ડરતા નથી એમ કહીને પુનરોચ્ચાર કર્યો હતો કે તેમના રેપ ઇન ઇન્ડિયાના નિવેદનના મામલે તેઓ મરી જાય તો પણ માફી નહીં માગે, મારું નામ રાહુલ સાવરકર નહીં પણ રાહુલ ગાંધી છે એમ કહીને તેમણે બીજેપી જેમને પોતાના આદર્શ માને છે તે વીર સાવરકરે આંદામાનની કાળી કોટડીમાંથી અંગ્રેજોની માફી માગી તેની યાદ અપાવીને પ્રહાર કર્યા હતા.
સંસદના શિયાળુ સત્રમાં કૉન્ગ્રેસે મોદી સરકારને વિવિધ મુદ્દે ભીંસમાં લીધા બાદ ભારત બચાવો રૅલી યોજીને મોદી સરકાર સામેની પોતાની લડાઈ યથાવત્ રાખી હતી. રૅલીમાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ બીજેપી અને મોદી સરકારની કામગીરી પર આકરા પ્રહાર કરીને મોદીરાજને અંધેરીનગરી ચૌપટ રાજાની સાથે સરખામણી કરી હતી.
રાહુલ ગાંધીએ મોદીને નિશાન બનાવીને કહ્યું કે સત્તા માટે તેઓ તમામ હદો વટાવી ગયા છે. નોટબંધીની અસરમાંથી અર્થતંત્ર હજી બહાર આવ્યું નથી. કૉન્ગ્રેસના રાજમાં જીડીપી ૯ ટકા હતું જ્યારે આજે ભલે સરકાર જીડીપી ૪ ટકા હોવાનું કહે પરંતુ વાસ્તવમાં તે અઢી ટકા જેટલું જ છે અને ખરાબ અર્થતંત્રથી દેશના ખેડૂતો-મજદૂરો વગેરેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે.

બીજેપી છે તો મોંઘવારી મુમકિન છે : પ્રિયંકા ગાંધી
‘ભારત બચાવો’ રૅલીમાં પ્રિયંકા ગાંધીએ મંચ પરથી કહ્યું કે ‘નાગરિકતા સંશોધન બિલ ભાગલાનું કારણ બનશે. અવાજ નહીં ઉઠાવો તો ભાગલા થશે. દેશ વહાલો છે તો અવાજ ઉઠાવો. આ સરકારમાં મોંઘવારી-બેરોજગારી વધતાં જાય છે. બીજેપી છે તો મોંઘવારી મુમકીન છે. આજે કાંદાના ભાવ આસમાને છે. ડીઝલ-પેટ્રોલના ભાવ વધતા જાય છે અને આ બધું મોદી સરકારની નિષ્ફળતાના પુરાવા છે.

નામમાં ગાંધી લખવાથી કોઈ ગાંધીજી નથી બની જતા ગિરરાજ સિંહ
હાજર જવાબી ગિરિરાજસિંહે કૉન્ગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ટોણો મારતાં કહ્યું કે નામ પાછળ ગાંધી લખાવાથી મહાત્મા ગાંધી બની જતા નથી. આ નિવેદન રાહુલ ગાંધીના દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત બચાઓ રૅલીમાં આપેલા નિવેદનની પ્રતિક્રિયામાં સામે આવ્યું છે.
ગિરિરાજસિંહે ટ્‌વીટમાં લખ્યું, ‘વીર સાવરકર તો ખરા અર્થમાં દેશભક્ત હતા. સરનેમ ઉધાર લેવાથી કોઈ ગાંધીજી કે દેશભક્ત નથી બની જવાતું. દેશભક્ત થવા માટે નસોમાં શુદ્ધ હિન્દુસ્તાની લોહી દોડવું જોઈએ.’

rahul gandhi national news