રાહુલ બનશે કૉન્ગ્રેસના કાર્યકારી અધ્યક્ષ?

04 November, 2011 02:39 PM IST  | 

રાહુલ બનશે કૉન્ગ્રેસના કાર્યકારી અધ્યક્ષ?



નવી દિલ્હી: વિવિધ સ્કૅમ અને કૅબિનેટના મિનિસ્ટરો વચ્ચેના વિખવાદને લીધે ખરડાયેલી પ્રતિભાને માંજવા કૉન્ગ્રેસે પરિવર્તનની મહાયોજના ઘડી કાઢી છે. આ યોજના હેઠળ અમેરિકામાં સર્જરી કરાવીને તાજેતરમાં પાછાં ફરનારાં કૉન્ગ્રેસનાં ચીફ સોનિયા ગાંધીનો બોજો ઘટાડવા ૪૨ વર્ષના રાહુલ ગાંધીને પક્ષના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે. એવી ચર્ચા જોર પકડી રહી છે કે ઇન્દિરા ગાંધીના જન્મદિને  ૧૧ નવેમ્બરે રાહુલને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવશે. કૉન્ગ્રેસના પ્રવક્તા રશીદ અલવીને આ વિશે સવાલ પૂછવામાં આવતાં તેમણે આ વાતને સમર્થન કે રદિયો નહોતાં આપ્યાં.

લોકોનું ધ્યાન બીજે વાળવાના મોટા પ્લાન હેઠળ કેન્દ્રીય પ્રધાનમંડળમાં પણ મોટા ફેરફારો કરવામાં આવશે. એમ પણ કહેવાય છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન કિરણકુમાર રેડ્ડી, દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત, ગોવાના મુખ્ય પ્રધાન દિગંબર કામત અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટને દરવાજો દેખાડવામાં આવશે અને આમાંના અમુકને કૅબિનેટમાં સમાવવામાં આવશે. હિસાર પેટાચૂંટણીના ધબડકાને પગલે પ્રદેશ અધ્યક્ષોમાં પણ મોટો ફેરબદલ કરવામાં આવશે.