રાહુલ ગાંધીની ફરી ધરપકડ થશે?

03 October, 2020 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાહુલ ગાંધીની ફરી ધરપકડ થશે?

તસવીર સૌજન્યઃ એએનઆઈ

હાથરસ કાંડને લઈને ઉત્તર પ્રદેશમાં માહોલ ગરમ છે. દેશના વિવિધ ભાગોમાં દેખાવો થઈ રહ્યો છે. કોંગ્રેસ સતત યોગી સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર હાથરસ જઈ રહ્યા છે. તેમણે અન્ય નેતાઓ સાથે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય છોડી દીધું છે. બીજી તરફ, યુપી પોલીસ એક્ટિવ મોડમાં આવી છે. ગઈ કાલે રાહુલ ગાંધીની ધરપકડ થઈ હતી, એવામાં શું આજે પણ રાહુલ ગાંધની ફરી ધરપકડ થશે? એવો પ્રશ્ન ઉભો થયો છે.

નોઈડા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરો હાથરસ પહોંચવા લાગ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે 35 જેટલા સાંસદોનું ડેલિગેશન પણ બહાર આવી રહ્યું છે. આ બધા લોકો આજે બસમાં દિલ્હી થી હાથરસ જવા રવાના થશે અને નોઈડા થઈને હાથરસ જવાનો પ્રયાસ કરશે.

બીજી તરફ, યુપી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લુની રાજધાની લખનૌમાં ધરપકડ કરવામાં આવી છે. લખનઉના બહુલખંડીમાં લલ્લુના નિવાસસ્થાન પર પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નિવાસસ્થાન પર તૈનાત પોલીસકર્મીઓ અજય કુમાર લલ્લુ ને ક્યાંય ખસેડવાની મંજૂરી આપી રહ્યા નથી. એવું કહેવામાં આવે છે કે મધ્યરાત્રિ બાદ અજય કુમાર લલ્લુ ના નિવાસસ્થાને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જો કે પોલીસનું કહેવું છે કે અજયકુમાર લલ્લુ ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે ગુરુવારે ગ્રેટર નોઈડામાં ભારે હંગામો થયો હતો જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક્સપ્રેસ વે દ્વારા હાથરસ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નોઇડા પોલીસે તેને અનુમતિ આપી નહોતી. રાહુલ ગાંધી સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલા નાટક પછી પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધી ની અટકાયત કરી અને બાદમાં તેમને છોડી દેવાયા હતા.

congress rahul gandhi priyanka gandhi uttar pradesh national news