કૅબિનેટમાં રવિવારે ફેરફાર : રાહુલ ગાંધી બાબતે સસ્પેન્સ

26 October, 2012 05:36 AM IST  | 

કૅબિનેટમાં રવિવારે ફેરફાર : રાહુલ ગાંધી બાબતે સસ્પેન્સ



કેન્દ્રીય કૅબિનેટમાં આગામી રવિવારે ધરખમ ફેરફાર કરવામાં આવશે એવી પ્રબળ શક્યતા છે. જોકે રાહુલ ગાંધીનો પ્રધાનમંડળમાં સમાવેશ થશે કે નહીં એ હજી પણ સસ્પેન્સ છે. કૅબિનેટમાં કેટલાક જૂના ચહેરાને વિદાય આપીને નવા ચહેરાને તક આપવામાં આવે એવી અટકળો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે પ્રધાનો વધારાના ખાતાનો હવાલો સંભાળી રહ્યા છે તેમનો ભાર હળવો કરવાનો પ્રયાસ થશે. ખાસ કરીને રેલવેપ્રધાન તરીકે નવા નામની જાહેરાત થાય એવી પૂરેપૂરી શક્યતા જ્યારે વિદેશપ્રધાનપદેથી એસ. એમ. કિષ્નાની છુટ્ટી કરીને તેમને સ્થાને સલમાન ખુરશીદને મુકાય એવી સંભાવના છે.  

વડા પ્રધાન મનમોહન સિંહ કૅબિનેટમાં રાહુલ ગાંધીને સામેલ કરવા ઉત્સુક છે. અગાઉ બન્ને વચ્ચે એકથી વધારે વખત બેઠક પણ થઈ હતી, જેમાં વડા પ્રધાને તેમને પ્રધાનમંડળમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. કૉન્ગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીને સરકારમાં સામેલ થવા કરતાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપવામાં વધુ રસ છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે કૉન્ગ્રેસ એસ. એમ. કૃષ્ણાને રાજ્યમાં પરત મોકલવા માગે છે એટલે તેમની છુટ્ટી નક્કી માનવામાં આવે છે. આ ઉપરાંત સચિન પાઇલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા યુવાન પ્રધાનોને પ્રમોશન મળે એવી પણ શક્યતા છે.